Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

IDSમાં વિલંબ કે રિટર્ન નહિ ભરવા અંગે દેવો પડશે જવાબ

૮૦૦૦ થી વધુ લોકોને-ફર્મ્સને ITની નોટિસો

નવી દિલ્હી તા.૧૧: ટેકસની આવકમાં ધીમી વૃદ્ધિને કારણે અધિકારીઓ ઊંચા લક્ષ્યાંકને હાંસલ કરવા સક્રિય બન્યા છે ત્યારે આવકવેરાની તાત્કાલિક કાર્યવાહી અંગેની નોટિસોમાં અચાનક ઉછાળો નોંધાયો છે. અત્યાર સુધી કાર્યવાહીની નોટિસનો ઉપયોગ કાળજીપૂર્વક અને ખાસ કરીને ઇરાદાપૂર્વક કરચોરી કરનારા લોકો માટે કરવામાં આવતો હતો.

હવે બિઝનેસ એન્ટિટીઝ દ્વારા TDSમાં વિલંબ અથવા રિટર્ન નહીં ભરવાના મુદ્દે પણ કાર્યવાહી નોટિસ મોકલાઇ રહી છે. મુંબઇના એક વરિષ્ઠ ટેકસ અધિકારીએ જણાવ્યું હતું કે, ''(આવકવેરા દ્વારા) અગાઉની કમાણીના આધારે રિટર્ન ફાઇલ નહીં કરનારા લગભગ ૮,૦૦૦ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં મોટા ભાગના લોકોને કાર્યવાહી અંગેની નોટિસ ફટકારાઇ છે. TDS કાપીને સરકરને નહીં ચૂકવી શકેલી કંપનીઓને પણ આવી નોટિસ મળી છે.'' જોકે, ટેકસ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સમયસર ટેકસ નહીં ચૂકવ્યો હોવાનું કબૂલ કરનારી અને ત્યાર પછી વ્યાજ સાથે ટેકસ ચૂકવી દેનારી કેટલીક નાની અને મધ્યમ કદની કંપનીઓને પણ કાર્યવાહીની નોટિસ મળી છે.

કાર્યવાહીની નોટિસ કરદાતાની ચિંતામાં વધારો કરી શકે. ખાસ કરીને મર્યાદિત સ્ત્રોત અને કાનૂની સહાય નહીં ધરાવતા લોકોમાં આવી નોટિસથી ગભરાટની શકયતા છે.

આકારણીકારે નોટિસ રદ કરાવવા હાઇ કોર્ટમાં જવું પડશે અથવા કમ્પાઉન્ડિંગ પ્રક્રિયા સ્વીકારવી પડશે. લો કંપની ખૈતાન એન્ડ કંપનીના બિજલ અજિંકયએ જણાવ્યું હતું કે, ''ટેકસના ગંભીર કેસમાં નાણાકીય જવાબદારી નક્કી થયા પછી જ કાર્યવાહીની નોટિસ ફટકારવામાં આવે છે. નાણાકીય જવાબદારી નક્કી કરતાં પહેલાં આવી નોટિસ આપવામાં આવતી નથી. મોટા ભાગના વિકાસશીલ દેશોમાં ટેકસના ગંભીર ગોટાળા જેવી બાબતોમાં કાર્યવાહીની નોટિસ આપવામાં આવે છે. ટેકસ અધિકારીએ કાયદાનું પાલન નહીં થયું હોવાથી આવો નિર્ણય લીધો હશે, પણ આવા પગલાથી વૃદ્ધિને અસર ન થાય તેનું ધ્યાન રાખવું જોઇએ.'' આવી નોટિસ મળે ત્યારે આકારણીકારે ટેકસની ચુકવણીનમાં વિલંબ અથવા રિટર્ન નહીં ભરવાનાં કારણો દર્શાવવા પડે છે. જવાબથી આકારણી અધિકારી સંતુષ્ટ ન થાય તો વ્યકિતએ મેજિસ્ટ્રેટનીકોર્ટમાં હાજર થવું પડે છે. ચોકસી એન્ડ ચોકસીના સિનિયર પાર્ટનર મિતિલ ચોકસીએ જણાવ્યું હતું કે, ''આવા પગલાથી સિસ્ટમ સ્વચ્છ બનશે, પણ તેથી આકારણીકારની હાડમારીમાં વધારો ન થવો જોઇએ.''

(11:38 am IST)