Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

પહેલા તબક્કામાં ૨૦૧૨ કરતા થયું ૪.૫૪ ટકા ઓછું મતદાન

ઓછા મતદાનથી રાજકિય પાર્ટીઓમાં ચિંતાનું મોજુઃ પાટીદારોના વિસ્તારમાં ઓછું મતદાનઃ સૌરાષ્ટ્રમાં ઘટયું મતદાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં યોજાયેલ મતદાનમાં ૨૦૧૨ની સરખામણી ૪.૫૪% જેટલું ઓછું મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દ.ગુજરાતની ૮૯ બેઠકો પર કુલ મતદાન ૬૬.૭૫ ટકા રહ્યું હોવાનું ચૂંટણી પંચે કહ્યું છે. જે ૨૦૧૨માં ૭૧.૧૪ ટકા જેટલું હતું. દ.ગુજરાતના આદિવાસી વિસ્તાર તાપી જીલ્લામાં સૌથી મોટા પ્રમાણમાં ૭૮.૫૬% વોટિંગ થયું છે. જયારે સૌથી ઓછું પાટીદાર પ્રભૂત્વ ધરાવતા વિસ્તાર અમરેલીમાં ૬૧.૧૯% ઓછું મતદાન નોંધાયું છે.

ફકત સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો પાટીદારોના પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ૨૦૧૨ કરતા ૫.૪૪% જેટલું વોટિંગ ઓછું થયું છે. જિલ્લા મુજબ મતદાનની વાત કરીએ તો, ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં ૧૪ જિલ્લામાં ૭૨.૭૬ ટકા મતદાન થયું હતું. આ પહેલાં ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણીમાં ૫૬.૩૬ ટકા મતદાન થયું હતું. આ વખતે કચ્છમાં ૬૬.૩૨ ટકા મતદાન થયું છે. જયારે ગઈ વખતે આ જિલ્લામાં ૬૮.૨૫ ટકા મતદાન થયું હતું.

પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે કુલ ૨,૧૨,૩૧,૬૫૨ મતદારોમાંથી ૧,૪૧,૭૧,૭૧૭ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. એમાં પણ કુલ ૧,૧૧,૦૫,૯૩૩ પુરુષ મતદારોમાંથી ૭૬,૬૦,૫૧૮ પુરુષોએ એટલે કે કુલ પુરષ મતદારોમાંથી ૮૬.૯૮ ટકા જેટલું મતદાન કર્યું છે. જયારે કુલ ૧,૦૧,૨૫,૪૭૨ મહિલા મતદારોમાંથી ૬૫,૧૧,૧૧૦ મહિલાઓએ મતદાન કર્યું છે. જે ૬૪.૩૦ ટકા જેટલું છે એનો અર્થ એ થાય કે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મોટાભાગે મહિલા મતદારોમાં નિષ્ક્રિયતા જોવા મળી છે. જયારે થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા ૨૪૭ની હતી. એમાંથી ૮૯ મતદારોએ મતદાન કર્યુ છે.

જામનગરમાં આ વખતે ૬૫ ટકા મતદાન થયું છે, જયારે ૨૦૧૨ની ચૂંટણીઓમાં અહીં ૬૯.૦૩ ટકા મતદાન થયું હતું. સુરેન્દ્રનગર અને અમરેલીમાં ૬૫ ટકા મતદાન થયું છે અને જો ગત ચૂંટણીઓની વાત કરીએ તો અહીં અનુક્રમે ૭૦.૫૯ અને ૬૭.૮૫ ટકા વોટિંગ થયું હતું.

જૂનાગઢમાં માત્ર ૫૮ ટકા વોટિંગ થયું છે, જયારે ગત ચૂંટણીમાં અહીં ૭૦.૩૮ ટકા વોટિંગ થયું હતું. ભરૂચમાં ૬૪ ટકા વોટિંગ થયું હતું, જયારે ગત ચૂંટણીઓમાં અહીં ૭૫.૮૨ ટકા વોટિંગ થયું હતું. નર્મદામાં ૭૫ ટકા વોટિંગ થયું છે, જયારે ગત ચૂંટણીમાં અહીં ૮૩.૨૭ ટકા મતદાન થયું હતું. તાપીમાં ૭૦ ટકા મતદાન થયું છે, જયારે ૨૦૧૨ની ચૂંટણીમાં ૮૧.૩૬ ટકા મતદાન થયું હતું. નવસારીમાં ૭૬ ટકા મતદાન થયું છે, જયારે ગત ચૂંટણીમાં ૭૬.૫૪ ટકા મતદાન થયું હતું. ડાંગમાં ૭૨ ટકા મતદાન થયું છે, જયારે ગઈ વખતે ૬૯.૭૯ ટકા વોટિંગ થયું છે. વલસાડમાં પણ મતદાન ટકાવારી ગઈ વખતની સરખામણીએ ઓછી રહી છે. વલસાડમાં ૭૦ ટકા વોટિંગ થયું છે, જયારે અહીં ૭૪.૪૦ ટકા વોટિંગ થયું હતું.

બીજી તરફ ગુજરાતમાં કેટલાક નવા જિલ્લા બનાવાયા છે, જેમાં પણ મતદાન થયું છે. મોરબીને રાજકોટ જિલ્લાથી અલગ કરીને બનાવાયો છે. અહીં લગભગ ૭૫ ટકા વોટિંગ થયું છે. જામનગરથી અલગ કરીને દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લો બનાવાયો છે. આ વખતે અહીં અનુક્રમે ૫૫ ટકા અને ૬૪.૨૬ ટકા વોટિંગ થયું છે. ભાવનગરથી અલગ કરીને બોટાદ જિલ્લો બનાવાયો છે, જયા ૭૩ ટકા વોટિંગ થયું છે.

ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કાના મતદાનના જે આખરી આંકડા જાહેર કર્યા છે તે મુજબ ઓલપાડ, ઝઘડિયા, નિઝર અને કપરાડા જેવી ચાર બેઠકો ઉપર ૮૦ ટકાથી વધુ મતદાન થયું છે. ૩૦ બેઠકો ઉપર ૭૦ ટકાથી વધુ, ૨૨ બેઠકો ઉપર ૫૦ ટકાથી વોટિંગ થયું છે. જે બતાવે છે કે, પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોમાં ૩૩ બેઠકો એટલે કે વધારે બેઠકો ઉપર માત્ર ૫૦દ્મક ૬૦ ટકા જેટલું સાવ ઓછું મતદાન થયું છે. એનો સીધો સંકેત એ છે કે, કચ્છ-સૌરાષ્ટ્રની ૫૪ બેઠકોના વિસ્તારોમાં લોકો મતદાન કરવાથી દૂર રહ્યાં છે. આ એવા વિસ્તારો છે કે, જયાં ભાજપ મજબૂત મનાય છે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતની ૩૫ બેઠકોવાળા વિસ્તારો પૈકી પણ સુરત જેવા શહેરી અસર હેઠળના વિસ્તારોમાં ૬૬.૩૯ ટકા જ મતદાન થયું છે.

જયારે કોંગ્રેસ મજબૂત છે એવા આદિવાસી વિસ્તારોમાં મતદાન વધારે થયું છે.અલબત્ત રાજકીય પાર્ટીઓ વોટિંગ ટકાવારી ઘટવા મુદ્દે પોત-પોતાની રીતે કારણો રજૂ કરી રહી છે. કેટલાકે એવો પણ દાવો કર્યો કે ચૂંટણી શનિવારે હોવાથી અનેક પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરતા લોકો વોટ દેવા માટે આવી શકયા નહોતા. કોંગ્રેસ પ્રવકતા મનિષ દોષીએ કહ્યું કે, '૨૦૧૨ કરતા ઓછી ટકાવારી દર્શાવે છે કે ભાજપના મતદારોને પણ હવે રાજય અને કેન્દ્રમાં રહેલી સરકાર પ્રત્યે વિશ્વાસ નથી. જોકે તેઓ કોંગ્રેસ માટે મતદાન કરવા માગતા ન હોવાથી મત આપવાથી જ દૂર રહ્યા છે.'

જયારે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ આઈ.કે જાડેજાએ કહ્યું કે, 'ભલે વોટિંગ ટકાવારી ઘટી હોય પરંતુ મતદારોની વોટ આપવાની પેટર્ન ૨૦૧૨ની જેમ જ છે. અમારા ફિલ્ડ રિપોર્ટ મુજબ લોકોએ ભાજપના તરફેણમાં મતદાન કર્યું છે.

લોકો કોંગ્રેસને ગુજરાતના અપમાન બદલ આ ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે અને ૨૦૧૨ની સરખામણીએ અમે વધુ બેઠકો સાથે ફરી સત્ત્।ામાં આવીશું.'

 

(11:37 am IST)