Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

શનિવારના મતદાનથી નાખુશ ભાજપ હવે ખેલશે ટ્રંપ કાર્ડ

સૌરાષ્ટ્રમાં પાટીદાર પાવરનો કરિશ્મા જોવા મળ્યો કે નહી ? ચાલી રહેલુ વિશ્લેષણઃ હવે બીજા તબક્કાની ૯૩ બેઠકો ઉપર ખાસ નજરઃ અમરેલી, રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથ જેવા પાટીદાર વિસ્તારોમાં ભાજપ કેવો ચમત્કાર કરે છે તે તરફ મીટઃ હવે મતદારો ભાજપના ટ્રંપ કાર્ડનો સ્વીકાર કરશે ?

નવી દિલ્હી તા.૧૧ : શનિવારે યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાનથી ભાજપ ખુશ નથી અને હવે તે પોતાનુ ટ્રમ્પ કાર્ડ ખેલવાની તૈયારીમાં છે. ચૂંટણી પ્રચારમાં ભાજપે પોતાની તરફથી કોઇ કસર બાકી રાખી નથી પરંતુ હજુ પણ એક એવુ હથિયાર તેની બચી ગયુ છે અને એ છે સાંપ્રદાયિક કાર્ડ. જેને ભાજપે અંતિમ સમય માટે બચાવીને રાખ્યુ છે. એવુ લાગે છે કે શનિવારે યોજાયેલા પ્રથમ ચરણના મતદાન બાદ આંચકો અનુભવી રહેલ ભગવા પાર્ટીએ હવે પોતાનુ ટ્રંપ કાર્ડ ખેલવા માટે મન બનાવી નાખ્યુ છે. ભાજપે આરોપ મુકયો છે કે કોંગ્રેસના નેતા મણીશંકર અય્યરના ઘરે એક બેઠક યોજાઇ હતી. જેમાં પાકિસ્તાનના પુર્વ વિદેશ મંત્રી અને કેટલાક વરિષ્ઠ કોંગ્રેસના નેતાઓ સામેલ થયા હતા.

ભાજપે આરોપ મુકયો છે કે કોંગ્રેસને પાકિસ્તાનને એવુ સુચન કર્યુ હતુ કે, ગુજરાતની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ મુખ્યમંત્રી તરીકે અહેમદ પટેલનું નામ આગળ વધારવામાં આવે. કેન્દ્રીય નાણામંત્રી અને ભાજપના નેતા અરૂણ જેટલીએ માંગણી કરી છે કે એ કોંગ્રેસની જવાબદારી છે કે આ બેઠકમાં કઇ બાબત ઉપર ચર્ચા થઇ એ અંગે લોકોને જણાવવામાં આવે. આ વિવાદ થોડા સમય પહેલા ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટવીટ કરી આરોપ મુકયો હતો કે પાક. હાઇકમીશનના ત્રણ અધિકારીઓ મણીશંકર અય્યરના ઘરે મીટીંગ કરવા ગયા હતા.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એવો સવાલ ઉભો કર્યો છે કે પાક. હાઇકમીશનના અધિકારી, પુર્વ પીએમ મનમોહન સિંહ અને પુર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીએ મણીશંકર અય્યર સાથે મીટીંગ કરી હતી. ગુજરાતની ચૂંટણી પહેલા વિદેશ મંત્રાલયની જાણ બહાર પાકિસ્તાનના અધિકારીઓ સાથે આ મીટીંગ યોજવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે, હું નથી જાણતો કે આનાથી શું સંદેશ જશે. તેમણે આરોપ મુકયો હતો કે, કાશ્મીરની આઝાદીને લઇને અવાજ બુલંદ કરવાવાળા સલમાન નિજામીએ ગુજરાતમાં પ્રચાર અભિયાન શરૂ કર્યુ છે. ગુજરાતના લોકો કોંગ્રેસની આવી કુટીલ રીતોથી વાકેફ છે. મોદીએ ગઇકાલે સાણંદની રેલીમાં કહ્યુ હતુ કે, મનમોહનસિંહ સહિતનાઓએ પાક હાઇકમિશનના અધિકારીઓ અને ત્યાંના પુર્વ વિદેશ મંત્રી સાથે ૩ કલાક બેઠક યોજી હતી. તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાનના પુર્વ આર્મી ચીફે ગુજરાતની ચૂંટણી કોંગ્રેસ જીતે તો સીએમ પદ માટે અહેમદ પટેલનું નામ આગળ વધાર્યુ હતુ. મોદીનું પ્રવચનમાં એવા નિવેદન પણ હતા જેનાથી સાંપ્રદાયિક મુદો નીકળી શકે છે.

વિશ્લેષકોનું માનવુ છે કે પાટીદાર અને ઓબીસી આંદોલનને કારણે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કદાચ થોડુ સહન કરવુ પડે તેથી બીજા ચરણને પોતાની તરફ વાળવા સાંપ્રદાયિક ભાવનાઓ જ મહત્વની બની રહે તેમ છે. વિશ્લેષક માને છે કે, ૮૯ બેઠકો માટે ૬૬.૭પ ટકા મતદાન અને પાટીદાર બહુમતીવાળા વિસ્તારોમાં ભારે મતદાન થતા સૌરાષ્ટ્રમાં ભાજપને કદાચ થોડુ સહન કરવુ પડે. ગત ચૂંટણીમાં પહેલા તબક્કામાં ૭૧.૭પ ટકા વોટીંગ થયુ હતુ અને ભાજપને ૮૯માંથી ૬૩ બેઠકો મળી હતી. જયારે કોંગ્રેસને રર અને એનસીપીને એક બેઠક મળી હતી.

વિશ્લેષકો માને છે કે દક્ષિણ ગુજરાતના નવસારી અને મોરબીમાં સૌથી વધુ ૭પ ટકા મતદાન થયુ છે. અહી ભાજપ માટે લાલબત્તી ગણી શકાય. જમીનનો રિપોર્ટ ઇશારો કરે છે કે પાટીદાર બેઠકો અમરેલી, રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પડે છે. જો કે સમય બતાડશે કે કોને કેટલી બેઠક મળે છે ? પરંતુ ભાજપને થોડુ સહન કરવુ પડે તેવુ લાગે છે.

હવે ભાજપની નજર બીજા તબક્કાના મતદાન ઉપર કેન્દ્રીત થઇ છે. આ તબક્કામાં ૯૩ બેઠકો માટે મતદાન થવાનુ છે. ઓબીસીના મતો કબજે કરવા ભાજપે કમરકસી છે એટલુ જ નહી સાંપ્રદાયિકતાનું કાર્ડ ખેલશે. આજે અને આવતીકાલે યોજાનારી રેલીઓ ઉપર ધ્યાન કેન્દ્રીત થયુ છે. ત્યારે જોવાનુ એ છે કે મતદારો ભાજપના આ સાંપ્રદાયિક કાર્ડનો સ્વીકાર કરે છે કે નહી ? વિશ્લેષકો એ પણ નિષ્કર્ષ કાઢી રહ્યા છે કે સૌરાષ્ટ્રમાં પાટીદાર પાવરે કામ કર્યુ છે કે નહી ?

(1:12 pm IST)