Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

પાટીદાર પ્રભુત્વવાળી બેઠકોમાં મતદાનની ટકાવારી ઘટી

અનેક પ્રકારના દાવાઓ અને જુદા જુદા રાજકિય પક્ષોના ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર છતાં ૨૦૧૨ની સરખામણીએ : ૨૫% મતો પાટીદારોના છે તેવી ૨૨ બેઠકો પર ૨૦૧૨માં ૬૯.૬૯ ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે ૫.૪૭% ઘટીને ૬૪.૨૨ ટકા થયું

નવી દિલ્હી તા. ૧૧ : અનેક પ્રકારના દાવાઓ અને જુદી જુદી રાજકીય પાર્ટીઓના ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર છતા પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકોમાં ૨૦૧૨ની સરખામણીએ મતદાનની ટકાવારી ઘટી છે. પ્રથમ તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દ.ગુજરાતમાં ૨૨ એવી બેઠકો છે જયાં વોટશેરમાં ૨૫રુ મતો પાટીદારોના છે. અહીં ૨૦૧૨ના ૬૯.૬૯%ની સાપેક્ષમાં એવરેજ મતદાનની ટકાવારી ૨૦૧૭માં ૫.૪૭% ઘટીને ૬૪.૨૨% પર પહોંચી છે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલ આંકાડાઓ મુજબ ગોંડલ, જામજોધપુર, લાઠી, કરંજ અને ધોરાજીમાં મતદાની સંખ્યા ૮.૪%થી ૧૨% જેટલી ઘટી છે. ગોંલડના ઈલેકટોરોલમાં ૫૦% મતો પાટીદારોના છે ત્યારે અહીં સૌથી વધુ ૧૧.૮૧% જેટલી મતદાન ટકાવારી ઘટી છે. અલબત્ત ત્યારબાદ બીજા નંબરની સૌથી વધુ ૨૮.૨૩% પાટીદાર મતદારો ધરાવતી રાજકોટ પશ્ચિમ બેઠક પર મતદાનની ટકાવારી ગત ચૂંટણી કરતા વધી છે. મુખ્યમંત્રી અને કોંગ્રેસના કદાવર નેતા ઇન્દ્રનીલ વિરૂદ્ઘ ચૂંટણી જંગ ધરાવતી આ બેઠકમાં ગત ચૂંટણી કરતા ૪% જેટલું મતદાન વધ્યું છે.

રાજયમાં કોંગ્રેસની ટિકિટ પર પાંચ વિધાનસભા બેઠકો પર પાસના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જે પૈકી ત્રણ બેઠક ધોરાજી(લલિત વસોયા), વરાછા રોડ(ધીરૂ ગજેરા) અને કામરેજ(અશોક જરીવાલા) પર શનિવારે મતદાન યોજાયું હતું. પરંતુ ઉલ્લેખનીય બાબત એ છે કે આ બેઠકો પર મતદાનની ટકાવારીમાં રેકોર્ડબ્રેક ઘટાડો નોંધાયો હતો. ધોરાજીમાં ૮.૪%, કામરેજમાં ૭.૪૮% અને વરાછા રોડપર ૫.૭૫% ઓછું મતદાન યોજાયું હતું. ભાજપના પ્રવકતા યમલ વ્યાસે કહ્યું કે, 'વોટિંગમાં આવેલા ઘટાડાથી સ્પષ્ટ થાય છે કે પાટીદારો મોટી સંખ્યામાં વોટ કરવા માટે બહાર આવ્યા નથી. હવે આ સ્થિતિ ભાજપના તરફેણમાં છે કે તેની વિરુદ્ઘ તે અંગે એનાલિસિસ કરતા પહેલા ખૂબ જ નજીકથી અભ્યાસ કરવો પડે તેમ છે.'

રાજકીય વિશ્લેષક દિનેશ શુકલાએ કહ્યું કે, 'મતદાનની ટકાવારીમાં ઘટાડો પાટીદારોના કારણે આવ્યો છે કે પછી અન્ય જ્ઞાતિના કારણે તે એનાલિસિસ માગતો મુદ્દો છે. પરંતુ એવી શકયતા રહી શકે છે કે યુવા પાટીદાર આગેવાન હાર્દિક પટેલના પ્રભાવવાળા આ વિસ્તારોમાં પાટીદારોએ તો મોટી સંખ્યામાં મત આપ્યો હોઈ શકે છે.' કોંગ્રેસ પ્રવકતા મનિષ દોષીએ કહ્યું કે, 'અમે વરાછા, ધોરાજી, મોરબી સહિતની પાટીદાર આંદોલનની અસર ધરાવતી બેઠકો પર મતદાન પેટર્ન અંગે એનાલિસિસ કરીશું પછી જ કઈ કહી શકાય છે.'

(1:33 pm IST)