Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

હરિયાણામાં હેવાનિયત

પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યા

હિસાર તા. ૧૧ :.. હરિયાણાના હિસાર જીલ્લાના ઉકલાના ગામમાં પાંચ વર્ષની બાળકી પર કહેવાતા બળાત્કાર બાદ તેના પ્રાઇવેટ પાર્ટમાં લાકડી ઘુસાડીને તેની હત્યા કરવામાં આવી હતી. શુક્રવારે રાતે એ બાળકી તેની મમ્મીની સાથે સૂતી હતી ત્યારે અજાણી વ્યકિત તેને ઉપાડી ગઇ હતી અને સવારે બાળકીની લોહીમાં તરબોળ ડેડ-બોડી મળી હતી. રાજયસભાના સભ્ય કુમારી સેલજા અત્યારનો ભોગ બનેલી બાળકીના પરિવારને મળશે.

આ ઘટના વિશે જાણ થતાં પોલીસ-અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ગામના રહેવાસીઓએ દુકાનો બંધ કરીને રસ્તારો આંદોલન કર્યુ હતું. બાળકીના પરિવારના સભ્યોએ પણ આરોપીની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી ડેડબોડીના અંતિમ સંસ્કાર નહીં કરવાની જાહેરાત કરી હતી. હિસાર જીલ્લાની પોલીસે આ કેસમાં એફઆઇઆર નોંધીને તપાસ એસઆઇટીને સોંપી છે. પોલીસે ઘટના સ્થળે ફોરેન્સિક ટીમ મોકલી છે. અજાણી વ્યકિત સામે અપહરણ, બળાત્કાર અને હત્યાનો કેસ નોંધ્યો છે.

પોલીસે પ્રારંભિક તપાસ બાદ જણાવ્યું હતું કે 'શુક્રવારે રાતે બાળકીનું અપહરણ કરીને તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. ત્યાર પછી બાળકી પર અત્યાચાર કરી તેને કણસતી છોડી દેવામાં આવી હતી.'

શનિવારે સવારે પેરન્ટસ જાગ્યા ત્યારે બાળકી નહોતી. એથી શોધખોળ શરૂ કરી હતી. એ વખતે એક પાડોશીએ જણાવ્યું હતું કે ઘરથી થોડે દૂર લોહીમાં લથપથ એક બાળકીની ડેડ-બોડી પડી છે.'

પોલીસે કરાવેલા પોસ્ટ મોર્ટમમાં બળાત્કાર અને અત્યાચારની ઘટનાને સમર્થન મળ્યું હતું. પ્રાઇવેટ પાર્ટમાં લાકડી ઘુસાડવાને કારણે તેના ગર્ભાશય અને આંતરડામાં ગંભીર ઇજાઓ થઇ હતી. બાળકીનાં ગરદન, ખભા, કમર અને નાક પર ઇજાઓ થઇ હતી.

(9:39 am IST)