Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

પાટીદાર આંદોલનમાં ૧૪ યુવાનોના મોત માટે હાર્દિક જવાબદારઃ આનંદીબેન

જો હાર્દિકે આંદોલન કર્યું જ નહોત તો તે યુવકોના મોત ન થયા હોત

નવી દિલ્હી તા. ૧૧ : ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં એક તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે બીજા તબક્કા માટે હવે માહોલ વધુ ગરમાયો છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નિવેદન આપ્યું છે કે પાટીદાર આંદોલનમાં ૧૪ યુવકોના મોત પાછળ હાર્દિક પટેલ જવાબદાર છે. જો હાર્દિકે આંદોલન કર્યું જ નહોત તો તે યુવકોના મોત ન થયા હોત.

પાટીદાર સમાજ દ્વારા અનામત આંદોલન છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. આ સમયે આંદોલન દરમિયાન અમદાવાદ ખાતે યોજાયેલી જીએમડીસી સભા બાદ હિંસા ફાટી નીકળી હતી જેમાં ૧૪ પાટીદાર યુવકોના મોત થયા હતા. આ યુવકોના મોત પાછળ હાર્દિક પટેલ અને પાસની ટીમ સરકારને જવાબદાર ગણાવી રહી છે.

પાટીદાર આંદોલનકારીઓ ભાજપને હરાવવા માટે તેમના ભાષણમાં આ ૧૪ મૃતક યુવકોનો ઉલ્લેખ કરી તેમને ભાજપ સરકારે માર્યા છે તેવો આક્ષેપ કરી રહ્યા છે. આ ઘટના સમયે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા. રવિવારે જયારે તેમને પુછવામાં આવ્યું કે શું તેઓ ૧૪ પાટીદાર યુવકોના મોત માટે માફી માંગશે? તેના જવાબમાં આનંદીબેને કહ્યું હતું કે યુવકોના મોત માટે હાર્દિક પટેલ જવાબદાર છે. જો તેણે આંદોલન ન કર્યું હોય તો તે યુવકો ન મળ્યા હોત.

આનંદીબેનના આ નિવેદન બાદ પાટીદારો દ્વારા તેમની સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ સાથે સોશિયલ મીડિયામાં પણ તેમના આ નિવેદનને પાટીદારો વખોડી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે હાર્દિક પટેલ આ મુદ્દે શું કહે છે.

(12:41 pm IST)