Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ઓવૈસી પર હુમલાના આરોપીઓને જામીન આપવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે રદ કર્યો

સુપ્રીમ કોર્ટે આ કેસના આરોપીઓને આજથી સાત દિવસની અંદર જેલ ઓથોરિટી સમક્ષ આત્મસમર્પણ કરવા કહ્યું છે.

નવી દિલ્હી :ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસી પર ગોળીબારના બે આરોપીઓને જામીન આપવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો નથી. કોર્ટે કહ્યું કે ચુકાદામાં જામીન આપવાનું કારણ સ્પષ્ટ નથી. નવેસરથી સુનાવણી કર્યા પછી 4 અઠવાડિયામાં નિર્ણય લો. સુપ્રીમ કોર્ટે આ કેસના આરોપીઓને આજથી સાત દિવસની અંદર જેલ ઓથોરિટી સમક્ષ આત્મસમર્પણ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટને પુરાવાને ધ્યાનમાં રાખીને આરોપીની જામીન અરજી પર નવો નિર્ણય લેવા જણાવ્યું છે.

નોંધનીય છે કે યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાન 3 ફેબ્રુઆરીએ હાપુડના ટોલ પ્લાઝા પર ઓવૈસીની કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. 12મી જુલાઈના રોજ હાઈકોર્ટે આરોપીને જામીન આપ્યા હતા. સપ્ટેમ્બરમાં ઓવૈસીએ આરોપીના જામીન રદ કરવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. તેમણે હુમલાના મુખ્ય આરોપી સચિન શર્મા અને તેના સાથી શુભમ ગુર્જરના જામીન રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

આરોપ છે કે શુભમ અને સચિને 2022ની યુપી વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન હાપુડ ટોલ પ્લાઝા પર ઓવૈસી અને તેમના કાફલા પર ગોળીબાર કર્યો હતો. હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બંને આરોપીઓ ઓવૈસીની કાર પર હુમલો કરતા જોવા મળ્યા હતા. હુમલો કરનાર બે આરોપીઓમાંથી એકની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય આરોપીએ બાદમાં આત્મસમર્પણ કર્યું હતું.

(8:30 pm IST)