Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના દોષિતોને છોડવાના નિર્ણય સામે કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી

કોંગ્રેસે કહ્યું કે પાર્ટી સોનિયા ગાંધીના અભિપ્રાય સાથે સહમત નથી: સિંઘવીએ કહ્યું કે, “આ મામલે અમારી પાસે જે પણ વિકલ્પ હશે તેનો અમે ઉપયોગ કરીશું. અમે રાજીવ ગાંધીના બલિદાનને વ્યર્થ નહીં જવા દઈએ

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે  પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના દોષિતોને મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે. કોંગ્રેસે દોષિતોને છોડવા પર નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસે કહ્યું છે કે પાર્ટી સોનિયા ગાંધીના અભિપ્રાય સાથે સહમત નથી. કોંગ્રેસે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી અને પાર્ટીના નેતા અભિષેક મનુ સિંઘવીએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા.

તેમણે કહ્યું હતું કે, “સોનિયા ગાંધીને તેમનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે, પરંતુ, હું પૂરા આદર સાથે કહું છું કે પાર્ટી તેમના અભિપ્રાય સાથે સહમત નથી અને તે તેમને પણ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.” સિંઘવીએ મીડિયાને કહ્યું કે, “આ મામલે અમારી પાસે જે પણ વિકલ્પ હશે તેનો અમે ઉપયોગ કરીશું. અમે રાજીવ ગાંધીના બલિદાનને વ્યર્થ નહીં જવા દઈએ.”

 

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, “અમારી કોર્ટને અપીલ છે કે ગુનેગારોને છોડવામાં ન આવે. પૂર્વ પીએમની હત્યા એ ભારતના અસ્તિત્વ પર હુમલો છે. આમાં રાજકારણનો રંગ હોતો નથી. આવી રીતના અપરાધમાં કોઈને રિહા કરી શકાય નહીં.” સિંઘવીએ કહ્યું કે પીએમ પર હુમલો સામાન્ય ગુનો ન હોઈ શકે. રાજ્ય સરકાર ગુનેગારોને સમર્થન આપી રહી હતી. જેના કારણે કોર્ટે આવો નિર્ણય આપવો પડ્યો હતો. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના અભિપ્રાય સાથે અસંમત નથી.

તેમણે કહ્યું કે, “આપણી ન્યાય પ્રણાલીએ લોકોની લાગણીનું ધ્યાન રાખ્યું નથી. કોંગ્રેસ આવા જઘન્ય ગુનેગારોને છોડવાનો વિરોધ કરે છે.” તેમણે કહ્યું કે, “ભારતની જેલોમાં એવા લાખો લોકો છે જેઓ ગુના વગર બંધ છે. તેમની અવગણના કરીને તમે ગુનેગારોને મુક્ત કરી રહ્યા છો.”

(7:54 pm IST)