Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કર્મચારીઓએ સપ્તાહમાં ૮૦ કલાક કામ કરવું પડશે

મસ્કે ટ્વીટરની કમાન સંભાળતા કર્મીઓના બૂરે દિન શરૃ : ઓફિસમાં ફ્રી ફૂડ જેવી સુવિધા નાબૂદ કરવામાં આવશે એટલું જ નહીં, વર્ક ફ્રોમ હોમ પણ બંધ કરવું પડશે

વોશિંગ્ટન તા.૧૧ : જ્યારથી એલોન મસ્કે કંપનીની જવાબદારી સંભાળી છે ત્યારથી ટ્વિટરના કર્મચારીઓના ખરાબ દિવસો શરૃ થઇ ગયા છે. હવે એલોન મસ્કે કર્મચારીઓ માટે કેટલાક આદેશ જારી કર્યા છે, જે આવનારા દિવસોમાં ટ્વિટર કર્મચારીઓની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.

કંપનીને ૪૪ બિલિયન ડોલરમાં ખરીદ્યા પછી ટ્વિટરના કર્મચારીઓને તેમના પ્રથમ સંબોધનમાં, એલોન મસ્કે કંપની નાદાર થવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, અમારે નફાકારક સ્થિતિમાં રહેવા માટે અઠવાડિયામાં ૮૦ કલાક કામ કરવું પડશે. આ ઉપરાંત ઓફિસમાં ફ્રી ફૂડ જેવી સુવિધાઓ પણ નાબૂદ કરવામાં આવશે. એટલું જ નહીં, વર્ક ફ્રોમ હોમ પણ બંધ કરવુ પડશે.

ઈલોન મસ્કનું કહેવું છે કે, જે કોઈ ઓફિસમાં નહીં આવે, તેને માની લેવામાં આવશે કે તેણે રાજીનામું આપી દીધુ છે.  તેમજ  જો કંપની વધુ રોકડ એકત્ર કરવામાં સક્ષમ ન હોય તો નાદારીનું જોખમ પણ હોઈ શકે છે. ઈલોન મસ્કે ટ્વિટરની જવાબદારી સંભાળ્યાના બે મહિનામાં ઘણા મોટા નિર્ણયો લીધા છે. તેમણે અડધાથી વધુ કર્મચારીઓની છટણી કરી છે.

ભારતમાં પણ ટ્વિટર ઈન્ડિયાના ૯૦% કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ લોકોમાં ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ પણ સામેલ છે. તેમણે અન્ય બાકી કર્મચારીઓને ઓફિસમાં આવીને કામ કરવાની સલાહ આપી છે. સમગ્ર મામલાની જાણકારી ધરાવનાર એક વ્યક્તિએ જણાવ્યું કે, ઈલોન મસ્કએ કર્મચારીઓને કહ્યંક કે, જો તમે ઓફિસ ન આવો તો તમારું રાજીનામું સ્વીકારવામાં આવશે. આટલું જ નહીં, લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાના સવાલ પર એલોન મસ્કે કહ્યું કે, આપણે વધુ મજબૂત બનવું પડશે. આ સંકટનો સામનો કરવા માટે, અમારે તરત જ ૮ ડોલર સબસ્ક્રિપ્શન ફી પ્લાન સાથે આગળ વધવું પડશે.  નિષ્ણાતો માને છે કે, કર્મચારીઓ પાસેથી વધુ કામ મેળવવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે, તેમને નાણાકીય કટોકટી વિશે જણાવવામાં આવ્યું છે. તે સંદેશ આપવા માંગે છે કે જો લોકો ગંભીરતાથી કામ નહીં કરે તો ટ્વિટર મુશ્કેલ સ્થિતિમાં આવી જશે.

(7:25 pm IST)