Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ગુજરાતનો જંગ જીતવા કેજરીવાલે દિવસ-રાત એક કર્યા

સર્વેમાં કરાયો ઉલ્લેખ : આમ આદમી પાર્ટી બીજેપી પાસેથી સત્તાને છિનવા પુરા જોશથી કરી રહી છે કામ

નવી દિલ્‍હી તા. ૧૧ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ત્રિકોણીય મુકાબલો સાથે રસપ્રદ બની રહી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ સતત ૨૭ વર્ષથી સરકાર ચલાવી રહેલી ભારતીય જનતા પાર્ટી પાસેથી સત્તા છીનવી લેવાના પૂરા પ્રયાસો કરી રહી છે. રાજયની જનતા કોના પ્રયાસોને સફળતા આપશે તે ૮મી ડિસેમ્‍બરે મતગણતરી સાથે સ્‍પષ્ટ થશે. હાલમાં સર્વે એજન્‍સીઓ રાજયના લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કરી રહી છે. અત્‍યાર સુધી ગુજરાત પર થયેલા મોટાભાગના સર્વેમાં એવો અંદાજ લગાવવામાં આવ્‍યો છે કે અહીં ભાજપ ફરી એકવાર સરકાર બનાવી શકે છે.

રિપબ્‍લિક ટીવી અને પી માર્ક દ્વારા કરવામાં આવેલા લેટેસ્‍ટ સર્વેમાં એવી આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં ભાજપને ફરી એકવાર બહુમતી મળી શકે છે. સર્વેમાં એવો અંદાજ છે કે પાર્ટી પણ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. પાર્ટીને અહીં ૧૨૭થી ૧૪૦ બેઠકો મળવાનું અનુમાન છે. જો આમ થશે તો રાજયમાં ભાજપની આ સૌથી મોટી જીત હશે. અગાઉ ૨૦૦૨માં ભાજપે ૧૨૭ બેઠકો જીતી હતી.

ગુજરાતમાં AAP સત્તાધારી ભાજપને જેટલું નુકસાન પહોંચાડી રહી છે, તેટલું જ કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે. AAP કન્‍વીનર અરવિંદ કેજરીવાલ જે રીતે પોતાની પાર્ટીને બીજેપીના સૌથી મોટા હરીફ તરીકે અહીં રજૂ કરી રહ્યા છે તેની થોડી અસર જોવા મળી રહી છે. રિપબ્‍લિક પી માર્કના સર્વે અને છેલ્લી વિધાનસભા ચૂંટણીના ડેટા પર નજર કરીએ તો સ્‍પષ્ટ થાય છે કે ‘આપ'ની એન્‍ટ્રીથી કોંગ્રેસને ઘણું નુકસાન વેઠવું પડી શકે છે. ઓપિનિયન પોલમાં ભાજપને ૪૬.૨ ટકા વોટ મળવાનો અંદાજ છે. કોંગ્રેસને ૨૮.૪ ટકા અને AAPને ૨૦.૬ ટકા વોટ મળી શકે છે. અન્‍ય લોકો ૪.૮ ટકા વોટ મેળવી શકે છે.

૫ વર્ષ પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૯૯ બેઠકો જીતી હતી જયારે કોંગ્રેસે ૭૭ બેઠકો કબજે કરીને ભાજપને ટક્કર આપી હતી. વોટ શેરની વાત કરીએ તો ભાજપને ૪૯.૧ ટકા વોટ મળ્‍યા જયારે કોંગ્રેસને ૪૧.૪ ટકા વોટ મળ્‍યા. AAP એ પછી ૨૯ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્‍યા હતા અને તમામની ડિપોઝિટ જપ્ત થઈ હતી. જો સર્વેના પરિણામો સાચા નીકળે અને AAP લગભગ ૨૦ ટકા વોટ શેર કબજે કરે તો કોંગ્રેસને મોટું નુકસાન થશે. ભાજપ માટે પણ વોટ કપાઈ શકે છે પરંતુ ત્રિકોણીય હરીફાઈના કારણે તેને સીટોની દ્રષ્ટિએ ફાયદો થશે.

(3:52 pm IST)