Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કોંગ્રેસ-એનસીપી વચ્‍ચે ગઠબંધનઃ મેન્‍ડેટનો ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી

ગુજરાતની ઉમરેઠ, દેવગઢ બારિયા, નરોડા સહિત માત્ર ૩ બેઠક માટે ‘હમ સાથ સાથ હૈ' : જગદીશ ઠાકોર-જયંત બોસ્‍કીની પત્રકાર પરિષદ

તસ્‍વીરમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર, જયંત બોસ્‍કી સહિતના નજરે પડે છે.

રાજકોટ,તા. ૧૧ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજયની રાજનીતિને લઈને મોટા સમાચાર આવ્‍યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને એનસીપી વચ્‍ચે ગઠબંધન થયું છે. આ માટે બંને પક્ષોના રાજય એકમના પ્રમુખો જગદીશ ઠાકોર અને જયંત બોસ્‍કીએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્‍યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCP વચ્‍ચે ગઠબંધન થયું છે. જગદીશ ઠાકોર અને જયંત બોસ્‍કી વચ્‍ચેની બેઠક સફળ સાબિત થઈ છે. બંને પક્ષો વચ્‍ચે ત્રણ બેઠક માટે ગઠબંધન થયું છે. જેમાં ઉમરેઠ, દેવગઢ બારિયા અને નરોડા બેઠકોનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ અને એનસીપીના આ ગઠબંધનથી ઉમરેઠ (જયંત બોસ્‍કી), નરોડા (નિકુલસિંહ તોમર) અને દેવગઢ બારિયાની બેઠકો એનસીપીને ફાળવતા ગોંડલથી રેશ્‍મા પટેલ અને કુતિયાણાથી કાંધલ જાડેજાની દાવેદારી પર પ્રશ્નાર્થ ઉઠ્‍યો છે. ગઠબંધનની જાહેરાત કરતાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્‍યું હતું કે ફક્‍ત આ ત્રણ બેઠકો માટે જ બંને પક્ષો વચ્‍ચે ગઠબંધન સધાયું છે. જો પક્ષના મેન્‍ડેટનો ઉલ્લંઘન કરી ફોર્મ ભરાશે તો તેમની સામે કાર્યવાહી કરાશે.

ઉદ્ધવ ઠાકરે, સુપ્રિયા સુળે પ્રચાર કરવા આવશે. નોંધનીય છે કે, આજે રાતે અશોક ગહેલોત સાથે મળનારી બેઠક બાદ જ કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધન અંગેનું ચિત્ર સ્‍પષ્ટ થશે. જો કે જગદીશ ઠાકોર સ્‍પષ્‍ટ કહ્યું છે કે ૩ બેઠકો સિવાઇ કોઇ બેઠક ઉપર એનસીપી સાથે ગઠબંધન નહિ થાય.

(3:50 pm IST)