Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

રાજીવ ગાંધીની હત્‍યાના ૬ આરોપીને જેલમાંથી છોડાશે

સુપ્રીમ કોર્ટનો આદેશ : જેલમાં સારા વ્‍યવહારને કારણે લેવાયો નિર્ણય : ૨૧ મે ૧૯૯૧ના રોજ એક ચૂંટણી રેલી દરમિયાન તામિલનાડુમાં આત્‍મઘાતી હુમલામાં હત્‍યા કરાઇ હતી

નવી દિલ્‍હી તા. ૧૧ : સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્‍યાના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા નલિની અને આરપી રવિચંદ્રન સહિત છ આરોપીઓને મુક્‍ત કરવાનો નિર્દેશ આપ્‍યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે જેલમાં દોષિતોના સારા વર્તનને કારણે મુક્‍તિનો આદેશ આપવામાં આવી રહ્યો છે. અગાઉ મે મહિનામાં સુપ્રીમ કોર્ટે પણ મૃત્‍યુદંડની સજા પામેલા ગુનેગાર પેરારીવલનને મુક્‍ત કરવાનો આદેશ આપ્‍યો હતો.

એક મોટો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્‍યાના તમામ છ દોષિતોને મુક્‍ત કરવાનો આદેશ આપ્‍યો છે. આ દોષિતોમાં નલિની અને આરપી રવિચંદ્રનનો પણ સમાવેશ થાય છે જેમણે રાજીવ ગાંધીની હત્‍યાનું કાવતરૂં ઘડ્‍યું હતું.

રાજીવ ગાંધીની હત્‍યાના તમામ છ દોષિતો પર ચુકાદો સંભળાવતી વખતે, સર્વોચ્‍ચ અદાલતે અવલોકન કર્યું કે જેલમાં બંધ દોષિતો એસ નલિની, જયકુમાર, આરપી રવિચંદ્રન, રોબર્ટ પિયાસ, સુતેન્‍દ્રરાજા અને શ્રીહરન સારા વર્તન માટે જેલમાંથી મુક્‍ત થયા છે. જેલમાં તેમની વર્તણૂક સારી હોવાનું જાણવા મળ્‍યું હતું અને જેલમાં તેમના રોકાણ દરમિયાન આ તમામે વિવિધ ડિગ્રીઓ હાંસલ કરી હતી.

કોર્ટે કહ્યું કે તમિલનાડુ કેબિનેટે ૯ સપ્‍ટેમ્‍બર ૨૦૧૮ના રોજ દોષિતોને મુક્‍ત કરવાની ભલામણ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, ૨૧ મે ૧૯૯૧ના રોજ તમિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમિયાન તત્‍કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પર આત્‍મઘાતી હુમલો કરવામાં આવ્‍યો હતો. આ હુમલામાં પૂર્વ પીએમનું ઘટનાસ્‍થળે જ મોત થયું હતું. હુમલાની તપાસ બાદ સાત લોકોને દોષિત જાહેર કરવામાં આવ્‍યા હતા. જેમાં એક દોષિત પેરારીવલનને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ મે મહિનામાં તેને પણ સુપ્રીમ કોર્ટે મુક્‍ત કરવાનો આદેશ આપ્‍યો હતો.

(3:18 pm IST)