Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

વેપારીઓ પાસેથી ચૂંટણી ફંડની ઉઘરાણીઓ શરૂ

કોઇ રાજકીય પક્ષ કે ઉમેદવાર નારાજ થાય નહીં તે રીતે ઇલેક્‍શન ફંડ આપવાની તૈયારીઓ : ઉમેદવારને કેટલી મદદ કરવી અને તેના બદલામાં કેવા કમિટમેન્‍ટ મેળવવા તેની બેઠકો પણ ગોઠવાઇ ગઇ

નવી દિલ્‍હી,તા. ૧૧ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્‍ટડાઉન શરૂ થઇ ગયું છે. રાજકીય પક્ષો સત્તા હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ પરિસ્‍થિતિમાં કરોડો રૂપિયાનો ખર્ચો પણ થતો હોય છે જે ખર્ચને પહોંચી વળવા રાજકીય પક્ષો વેપારીઓ, ઉદ્યોગપતિઓ પાસેથી કરોડ રૂપિયામાં ઇલેકશન ફંડ લેતા હોય છે. બીજી તરફ ગમે તે સરકાર બને પરંતુ વેપારીઓના અને ઉદ્યોગપતિઓના પ્રશ્‍નોના તાકિદે નિરાકરણ આવે અને તેમને મોટી સમસ્‍યાઓનો સામનો કરવો પડે નહીં તેના માટે વેપારીઓ પણ ઇલેક્‍શન ફંડ આપતા હોય છે. વેપારી સંગઠનના અગ્રણીઓ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસ્‍ટેટ કે જે-તે જીઆઇડીસીના હોદેદારો આ ચૂંટણી ફંડ માટે વ્‍યવસ્‍થિત આયોજન કરતા હોય છે. અમદાવાદ સહિત રાજ્‍યભરમાં વેપારીઓએ યથાશકિત મુજબ ફંડની વ્‍યવસ્‍થા કરી દીધી હોવાનું પણ જાણી શકાયુ છે.

રાજ્‍યના વેપારી મહાજન વેપારી સંગઠનો ચૂંટણી અંગેની તૈયારીઓમાં લાગી ગયા છે તેમને પ્રચાર પ્રસાર કે અન્‍ય કાઉન્‍સેલિંગ કરવાનું નથી. આ વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ ચૂંટણી માટે આર્થિક સહાય કરવાની હોય છે.

અમદાવાદની જુદી-જુદી જીઆઇડીસી અને ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિયેશનના અગ્રણીઓએ પાર્ટી ફંડમાં ચોક્કસ યોગદાન આપવા ઉપરાંત પોતપોતાના વિસ્‍તારના ઉમેદવારોને પણ આર્થિક સહાયતા માટેની તૈયારીઓ કરી દીધી છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ તમામ મહાનગરો અને જે વિસ્‍તારોમાં મોટી ઇન્‍ડસ્‍ટ્રી કાર્યરત હોય છે. તેમના દ્વારા ચોકકસ પાર્ટી પણ આપવા માટેની વ્‍યવસ્‍થા કરી દેવામાં આવી છે અને જુદી-જુદી પાર્ટીઓના ખજાનચીઓને આર્થિક સહાય પહોંચાડી દેવામાં આવી છે.

વર્ષોથી વટવા, નરોડા, ઓઢવ, સાણંદ, ઝાક, ક્‍લોલ, ભરૂચ, અંકલેશ્વર, સુરત, હજીરા સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્‍ટ્રના એવા સ્‍થળો કે ત્‍યાં મોટી ઇન્‍ડસ્‍ટ્રીઝ ધમધમી રહી હોય છે તેમના સંગઠનના અગ્રણીઓ દ્વારા પોતપોતાના સભ્‍યો સાથે બેઠક કરીને કઇ પાર્ટી અથવા કયા ઉમેદવારને કેટલી મદદ કરવી અને તેના બદલામાં તેમની પાસેથી કેવા કમિટમેન્‍ટ મેળવવા તે અંગેની બેઠકો પણ થઇ ગઇ હતી અને વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ દ્વારા યોગ્‍ય પાર્ટી અને ઉમેદવારોને ઇલેક્‍શન ફંડ અને અન્‍ય સહાય પહોંચાડી દેવામાં આવી છે.

(10:34 am IST)