Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવાના રાજ્ય સરકારના આદેશને ગોદરેજ કંપનીએ હાઈકોર્ટમાં પડકાર્યો

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની પ્રક્રિયા ગેરકાયદેસર : ગોદરેજ ગ્રુપનો બોમ્બે હાઈકોર્ટમાં દાવો: રાજ્ય સરકારે કંપની પર પ્રોજેક્ટ લટકાવવાનું કારણ હોવાનો આરોપ લગાવ્યો હતો

મુંબઈ : જમીન સંપાદન પ્રક્રિયા ગેરકાયદેસર હોવાના કારણે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે. ગોદરેજ ગ્રુપ ખોટા આરોપો લગાવીને પોતાની નિષ્ફળતા છુપાવી રહ્યું છે. ગોદરેજ કંપનીએ બોમ્બે હાઈકોર્ટમાં આ દાવો કર્યો છે. કંપનીએ રાજ્ય સરકારના એ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે કે પ્રોજેક્ટમાં વિલંબ પાછળ ગોદરેજ કંપની કારણભૂત છે. ગોદરેજ એન્ડ બોયસ કંપનીએ ગુરુવારે મુંબઈ હાઈકોર્ટમાં આ દાવો કર્યો હતો. રાજ્ય સરકારનો આરોપ છે કે ગોદરેજ કંપની જમીન સંપાદનની પ્રક્રિયામાં અવરોધ ઉભી કરી રહી છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવાના રાજ્ય સરકારના આદેશને કંપનીએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ અરજીનો વિરોધ કરતા રાજ્ય સરકારે કંપની પર પ્રોજેક્ટ લટકાવવાનું કારણ હોવાનો આરોપ લગાવ્યો હતો. ગોદરેજે આ આરોપને નકારી કાઢ્યો અને કોર્ટમાં દાવો કર્યો કે રાજ્ય સરકાર તેની નિષ્ફળતા માટે કંપની પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરી રહી છે.

 કંપનીએ ગુરુવારે જસ્ટિસ નીતિન જામદાર અને જસ્ટિસ શર્મિલા દેશમુખની ડિવિઝન બેંચ સમક્ષ તેનું સોગંદનામું રજૂ કર્યું હતું. હાઈકોર્ટે સુનાવણીની આગામી તારીખ 21 નવેમ્બર નક્કી કરી છે.

 

બુલેટ ટ્રેનની જમીન માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહેલી 264 કરોડની વળતરની રકમ સામે ગોદરેજ હાઈકોર્ટમાં પહોંચ્યું છે. રાજ્ય સરકારે મુંબઈના વિક્રોલી વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે 10 હેક્ટર જમીન લેવાની તૈયારી શરૂ કરી છે. કંપની બોમ્બે હાઈકોર્ટને આ જમીન સંપાદનની પ્રક્રિયાને મોકૂફ રાખવાની માંગ કરી રહી છે. રાજ્ય સરકાર નુકસાનની ભરપાઈ માટે માત્ર 264 કરોડની રકમ આપવા પર અડગ છે.

મુંબઈ અને અમદાવાદને જોડતા આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 534 કિમી હાઈસ્પીડ રેલવે કોરિડોરમાં 21 કિલોમીટર લંબાઈની ટનલ તૈયાર કરવામાં આવી રહી છે. આ ટનલ થાણેની ખાડીની નીચેથી પસાર થશે. આ ટનલ મુંબઈના વિક્રોલી વિસ્તારથી શરૂ થશે. આ માટે રાજ્ય સરકારે જમીન સંપાદન અધિનિયમ 2013 હેઠળ માર્ચ 2018માં વિક્રોલીનો આ પ્લોટ લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. કંપનીનું કહેવું છે કે નુકસાન અંગેની સુનાવણીને હવે 26 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. આવી સ્થિતિમાં જૂના ભાવ પર કરાયેલ કરાર હવે રદ થાય છે.

બીજી તરફ આ પ્રોજેક્ટ પહેલેથી જ ચાર વર્ષથી લટકી રહ્યો છે. રાજ્ય સરકારની દલીલ છે કે જ્યાં સુધી વિવાદનો નિર્ણય ન આવે ત્યાં સુધી તેને નુકસાનની રકમ જમા કરાવવાની છૂટ આપવી જોઈએ. વિક્રોલીની 3,000 એકર જમીનની માલિકી અંગે 1973નો વિવાદ હજુ પેન્ડિંગ છે. જેના કારણે પ્રજાના હિત માટે બનાવવામાં આવી રહેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લટકી રહ્યો છે

(9:41 am IST)