Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ચોરી થઈને કેનેડા પહોંચેલી અન્નપૂર્ણાની મૂર્તિ પાછી લવાઈ

સરકાર સાત વર્ષમાં ૬૭ મૂર્તિ વિદેશથી પાછી લાવી : ચાર દિવસની યાત્રા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હસ્તે તેને કાશી વિશ્વનાથ મંદિરમાં સ્થાપવામાં આવશે

નવી દિલ્હી, તા.૧૧ : ૧૦૦ વર્ષ પહેલા ચોરી થઈને કેનેડા પહોંચી ગયેલી માતા અન્નપૂર્ણાની પ્રાચીન મૂર્તિ ભારત લાવવામાં આવી છે.હવે તેની સ્થાપના ૧૫ નવેમ્બરે કાશી વિશ્વનાથ મંદિરમાં ધામધૂમ પૂર્વક કરવામાં આવશે.

વિદેશ રાજ્ય મંત્રી મિનાક્ષી લેખીએ કહ્યુ હતુ કે, મૂર્તિની બનારસ સુધીની યાત્રા શરુ થઈ ગઈ છે.બીજી તરફ યુપી સરકારના અધિકારીએ કહ્યુ હતુ કે, આજે  મૂર્તિ યુપી પહોંચી જશે.ચાર દિવસની યાત્રા કાઢવામાં આવશે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હસ્તે તેને કાશી વિશ્વનાથ મંદિરમાં સ્થાપવામાં આવશે. દરમિયાન કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રી જી કિશન રેડ્ડીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે, ૧૯૪૭ થી ૨૦૧૪ ,સુધીમાં  સરકાર માત્ર ૧૩ મૂર્તિઓ પાછી લાવી હતી અને સરકાર સાત વર્ષમાં ૬૭ મૂર્તિઓને વિદેશથી પાછી લાવી છે.અમેરિકાથી બીજી ૧૫૭ મૂર્તિઓને પાછી લાવવા માટે કાર્યવાહી ચાલી રહી છે.

(7:20 pm IST)