Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

મુંબઇ : નવાબ મલિક સંબંધિત તમામ વિભાગોમાં ઈડી દ્વારા દરોડા : પુણેમાં ૭ સ્થળોએ સર્ચ ઓપરેશન : વકફ બોર્ડની જમીનમાં કથિત કૌભાંડ

નવાબ મલિકે સતત ભાજપ અને એનસીબી ઉપર નિશાન સાધતા સમયે ઈડી દ્વારા કાર્યવાહી

મુંબઇ: મહારાષ્ટ્રની મહાગઠબંધન સરકારમાં મંત્રી નવાબ મલિકના અંતર્ગત આવતા વિભાગમાં કથિત કૌભાંડ મામલે ઇડીએ રેડ કરી હતી. ઇડીએ પૂણેમાં 7 જગ્યા પર સર્ચ ઓપરેશન અને રેડની કાર્યવાહી કરી છે. ઓરંગાબાદમાં પણ ઇડીની રેડ કરવામાં આવી હતી. અહી પણ ઇડીએ વકફ બોર્ડની જમીનમાં કૌભાંડ મામલે રેડ કરી છે.

પૂણેની બંદગાર્ડન પોલીસ અનુસાર જે 2 લોકોને આ મામલે ઓગસ્ટમાં પકડવામાં આવ્યા હતા તે બોર્ડના ટ્રસ્ટી હતા. જોકે, તેમના વિરૂદ્ધ ટ્રસ્ટના કેટલાક અન્ય અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે સંપત્તિઓને ખાનગી લાભ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

આ કાર્યવાહી એવા સમયે થઇ છે જ્યારે મલિક સતત ભાજપ અને એનસીબી પર નિશાન સાધી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે નવાબ મલિક છેલ્લા કેટલાક સમયથી રાજ્યની રાજનીતિમાં ચર્ચામાં છે. અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન વિરૂદ્ધ NCB દ્વારા અટકાયતમાં લેવામાં આવવવા અને પછી ધરપકડ કર્યા બાદ મુંબઇ વિસ્તારના અધિકારી સમીર વાનખેડે પર સતત પ્રહાર કરી રહ્યા છે. રાજ્યમાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ પર પણ તેમણે ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ ફડણવીસે પણ તેમના ઉપર શંકાસ્પદ લેન્ડ ડીલમાં સામેલ હોવાનો દાવો કર્યો હતો.

ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે મલિક પર ગંભીર આરોપ લગાવ્યા છે, તેમણે ટ્વીટ કર્યુ- નવાબ મલિકે કેટલીક તસવીરો સહિત માનહાનિ કરનારા, ભ્રામક અને દુર્ભાવનાપૂર્ણ ટ્વીટ્સ શેર કરી છે. આઇપીસીની વિવિધ કલમ હેઠળ ગુનાહિત કાર્યવાહી સહિત માનહાનિની નોટિસ આપવામાં આવી છે.

(7:33 pm IST)