Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

યુવાને હાઈડ્રોપોનિક્સથી ૧૫ હજાર છોડ-વેલો ઉગાડી

મિત્રના કાકાનું કેન્સરથી મોત થયું અને યુવાને સંશોધન કર્યું : યુવાન નાના ખેડૂતોને વિનામૂલ્યે તાલીમ આપે છે, તે ઓર્ગેનિક ખેતી-અન્ય પદ્ધતિઓ વિષે જાણકારી આપે છે

બરેલી, તા.૧૧ : અત્યાર સુધી તમે ફાર્મ હાઉશ શબ્દ તો સાંભળ્યો હશે, પરંતુ ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતા એક પત્રકારે પોતાના ઘરને ફાર્મમાં બદલીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યુ છે. પત્રકારનું નામ રામવીર છે. તેમણે પોતાના મકાનમાં હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી અલગ અલગ પ્રકારના ૧૫ હજાર છોડ અને વેલો ઉગાડી છે. તેમની પાસે ૧૦૦ વીઘા ખેતર પણ છે, જ્યાં તે ઓર્ગેનિક ખેતી કરે છે. પોતાના જીવનમાં બનેલી એક ઘટના પછી રામવીરે નક્કી કર્યું કે હવે તે ઓર્ગેનિક ખેતી કરશે. ઘટના વર્ષ ૨૦૧૬ની છે. રામવીરના મિત્રના કાકાનું કેન્સરને કારણે અવસાન થઈ ગયુ. તેઓ કોઈ પણ પ્રકારનો નશો નહોતા કરતા. ત્યારપછી તબીબોએ જણાવ્યું કે, કેન્સરનું કારણ જંતુનાશક દવાઓ હોઈ શકે છે. શાકભાજી અને આપણા ઘરમાં આવતા અન્ય ખાદ્યપદાર્થોના ઉત્પાદનમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારપછી રામવીરે નક્કી કર્યું કે તે ઓર્ગેનિક ખેતી કરશે. રામવીર અત્યારે પત્રકારત્વનું કામ ફ્રીલાન્સિંગ કરે છે, તેમનું સંપૂર્ણ ધ્યાન ખેતી પર છે. તે ઓર્ગેનિક ખાતરનું પણ ઉત્પાદન કરી રહ્યા છે. રામવીર જણાવે છે કે, તેઓ ઘઉંનો લોટ ૬૦ રુપિયા પ્રતિ કિલો અને ચોખા ૧૩૦ રુપિયા પ્રતિ કિલો વેચે છે. સિવાય ગોળનો પાવડર તે ૧૫૦ રુપિયા પ્રતિ કિલો વેચે છે. તે નાના ખેડૂતોને વિનામૂલ્યે તાલીમ પણ આપે છે. તે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અને અન્ય પદ્ધતિઓ વિષે જાણકારી આપે છે.

ઉલ્લેખનીય છે કે રામવીર હાઈડ્રોપોનિક પદ્ધતિથી ખેતી કરે છે. માટીનો ઉપયોગ કર્યા વિના, માત્ર પાણીમાં ખેતી કરવાની તકનીકને હાઈડ્રોપોનિક કહેવામાં આવે છે. શબ્દનું સર્જન બે ગ્રીક શબ્દો હાઈડ્રો અને પોનોસને ભેગા કરીને કરવામાં આવ્યું છે. હાઈડ્રોનો અર્થ છે પાણી, જ્યારે પોનોસનો અર્થ છે કાર્ય.

(7:16 pm IST)