Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

કંગનાના નિવેદન પર દેશભરમાં હોબાળો

૧૯૪૭માં મળેલી આઝાદી તો ભીખ હતી, અસલી આઝાદી તો ૨૦૧૪માં મળી છે !

મુંબઇ, તા.૧૧: મોટા ભાગે વિવાદીત નિવેદનો આપી ચર્ચામાં રહેતી કંગના રાનૌતે ફરી એક વિવાદીત નિવેદન આપ્યુ છે. જે બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ છે. કંગનાના આ પ્રકારના નિવેદનથી સ્વરા ભાસ્કર, પૂર્વ આઈએએસ ઓફિસર અને કેટલાય કોંગ્રેસી તથા ભાજપના નેતાઓ પણ કંગના પણ ભડકી ઉઠ્યા હતા. કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, આઝાદી જો ભીખમાં મળી છે, તો શું તે આઝાદી હોઈ શકે છે ? કંગનાએ એન્કરની સામે કહ્યુ કે, ૧૯૪૭માં મળેલી આઝાદી તો ભીખ હતી, અસલી આઝાદી તો ૨૦૧૪માં મળી છે.

કંગનાએ પોતાના નિવેદનમાં કહ્યુ કે, સાવરકર, રાણી લક્ષ્મીબાઈ, નેતા સુભાષચંદ્ર બોસ આ લોકોની વાત કરૂ તો, આ લોકો જાણતા હતા કે, લોહી વહશે પણ એ યાદ રહે કે, હિન્દુસ્તાનીઓના લોહી ન વહે. તેમણે આઝાદીની કિંમત ચુકવી છે. પણ તે આઝાદી નહીં ભીખ હતી. અસલી આઝાદી તો ૨૦૧૪માં મળી છે. કંગનાની આ વાત સાંભળીને ત્યાં ઈવેન્ટમાં હાજર અમુક લોકોએ તાળીયો પાડી હતી.

કંગનાનો આ વીડિયો જોઈને બોલિવૂડ એકટ્રેસ સ્વરા ભાસ્કરે કહ્યુ કે, કોણ છે એ બેવકૂફ લોકો જેણે આ વાત સાંભળીને તાળીયો પાડી. હું જાણવા માગુ છું.

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યુ કે, આપણી આઝાદીને ભીખ એ કોઈ માનસિક રૂપથી અસંતુલિત જ કહેશે. એ આઝાદી જેના માટે લાખો લોકોએ પોતાના પ્રાણની આહુતી આપી. આની પાસેથી બીજી શું આશા રાખી શકીએ.

પૂર્વ આઈપીએસ અધિકારી સૂર્ય પ્રતાપ સિંહે કહ્યુ કે, એટલા માટે તો કહ્યુ હતું કે, લોકપ્રિયતા મળે તો, સોનૂ સૂદ બનજો, કંગના નહીં. ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂ સહિત લાખો સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના બલિદાનને ભીખ બતાવનારી કંગના.

કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવીએ ગુસ્સે થતાં કહ્યુ કે, આવા લોકોને પદ્મક્ષી આપનાર મોદીજી જવાબ આપો. શું આપણે કુર્બાનીમાં મળેલી આઝાદીના ૭૫ વર્ષનો જશ્ન મનાવી રહ્યા છીએ કે આપના ભકતો દ્વારા ભીખમાં મળેલી આઝાદીનો?

(3:47 pm IST)