Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

હત્યા કે બળાત્કાર કેસમાં પીડીતની ઉંમર આરોપીને ફાંસીની સજા આપવાનો એક માત્ર આધાર ન બની શકેઃ સુપ્રિમ

દુષ્કર્મ અને હત્યાના આરોપીની ફાંસીની સજાને ૩૦ વર્ષની ઉંમરકેદમાં બદલી નાખીઃ ૪૦ વર્ષના ૬૭ કેસોના અધ્યયન બાદ કોર્ટનો નિર્ણય

નવી દિલ્હી, તા., ૧૧:  હત્યા કે બળાત્કારના મામલામાં સંડોવાયેલા આરોપીને ફાંસીની સજા સંદર્ભે સુપ્રિમ કોર્ટે  મહત્વની ટીપ્પણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્રયું હતું કે દુષ્કર્મ કે હત્યાના મામલામાં પીડિતની ઉંમર આરોપીઓને ફાંસીની સજા આપવા માટેનો એક માત્ર આધાર ન બની શકે. આ સાથે જ કોર્ટે દુષ્કર્મ તેમજ હત્યાના દોષી વ્યકિતની ફાંસીની સજાને ૩૦ વર્ષની ઉંમર કેદમાં બદલી નાખી હતી. છેલ્લા ૪૦ વર્ષના ૬૭ મામલાઓના અધ્યયન બાદ કોર્ટે આ નિર્ણય લીધો હતો.

કોર્ટે ઇરપ્પા સિદ્દપ્પાની અપીલ પર સુનાવણી કરતી વેળાએ આ અવલોકન કર્યું હતું. સિદપ્પાને નીચલી કોર્ટે ૨૦૧૦માં પાંચ વર્ષની બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને બાદમાં તેની હત્યાના કેસમા ફાંસીની સજા આપી હતી. જેને બાદમાં ૬ માર્ચ ૨૦૧૭ના કર્ણાટક હાઇકોર્ટે પણ બરકરાર રાખી હતી. જોકે  હાઇકોર્ટના નિર્ણયને બાદમાં અપરાધીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટની બેંચે સિદપ્પાને અપહરણ, દુષ્કર્મ, હત્યા અને પુરાવાનો નાશ કરવાના અપરાધમાં દોષી માન્યો હતો, જોકે તેની ફાંસીની સજાને રદ કરી દીધી હતી અને તેને ૩૦ વર્ષની કેદમાં ફેરવી નાખી હતી. સાથે એવી પણ શરત રાખી હતી કે સિદપ્પાને કોઇ પણ સ્થિતિમાં ૩૦ વર્ષની કેદની સજા પુરી થાય તે પહેલા છોડવામાં નહીં આવે.

કોર્ટની બેંચે ૪૦ વર્ષોમાં આવેલા ૬૭ ચુકાદાઓનો અભ્યાસ કર્યો અને તે બાદ આ નિર્ણય લીધો હતો. જેમાં ૫૧ કેસોમાં પીડિતની વય ૧૨ વર્ષની ઓછી હતી. આ ચુકાદાઓમાં નિચલી કોર્ટે ફાંસીની સજા આપી હતી, જેને હાઇકોર્ટે યથાવત રાખી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાઓમાં માત્ર મામલાઓમાં જ ફાંસીની સજા આપી હતી. જેમાંથી ત્રણ મામલાઓમાં પુનર્વિચાર બાદ સજાને ઉમરકેદમાં ફેરવી નખાઇ હતી. જ્યારે ૧૨ મામલાઓમાં મોતની સજા આપવામાં આવી હતી. જેમાં પીડિતોની વય ૧૬ કે તેથી ઓછા વર્ષની હતી.

(3:01 pm IST)