Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

નાકથી અપાશે કોવેકિસનનો બુસ્ટર ડોઝ : બીજા ડોઝના ૬ માસ બાદ જરૂર પડશે

ભારત બાયોટેકના ચેરમેનની મહત્વની વાત

નવી દિલ્હી તા. ૧૧ : ભારતમાં કોરોના વેકિસનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર ક્રિષ્ના એલાએ કહ્યું કે કોરોના વેકિસનના બીજા ડોઝના છ મહિના પછી ત્રીજો ડોઝ આપવો જોઈએ અને આ સૌથી યોગ્ય સમય છે. આ સાથે જ તેમણે નોઝલ વેકિસનના મહત્વ પર પણ ભાર મૂકયો હતો. તેમણે એ પણ રેખાંકિત કર્યું કે તેમની કંપની ‘Zika’ રસી બનાવનારી વિશ્વની પ્રથમ કંપની છે.

ક્રિષ્ના એલાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોવેકિસનની રસી આપવીએ ભારતીય વિજ્ઞાનમાં તેમની શ્રદ્ઘા દર્શાવે છે. તેમણે કહ્યું કે ત્રીજો ડોઝ બીજા ડોઝના છ મહિના પછી જ આપવો જોઈએ. ત્રીજા ડોઝ માટે આ શ્રેષ્ઠ સમય છે. ભારત બાયોટેક બૂસ્ટર ડોઝ તરીકે નાકની રસી રજૂ કરવાનું પણ વિચારી રહી છે. આ રસીના મહત્વ અંગે તેમણે કહ્યું કે આખી દુનિયા આવી રસીઓ ઈચ્છે છે. ચેપ અટકાવવાનો આ એકમાત્ર રસ્તો છે. દરેક વ્યકિત ઇમ્યુનોલોજી શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે અને સદભાગ્યે ભારત બાયોટેકે તે શોધી કાઢ્યું છે.

ક્રિષ્ના એલાએ કહ્યું કે અમે નોઝલ વેકિસન લાવી રહ્યા છીએ. અમે જોઈ રહ્યા છીએ કે કોવેકિસનનો બીજો ડોઝ નાકથી આપી શકાય કે કેમ, જે વ્યૂહાત્મક અને વૈજ્ઞાનિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો તમે બીજો ડોઝ નાક દ્વારા આપો છો, તો તમે ચેપને ફેલાતા અટકાવશો. ઝિકા રસી અંગે એલાએ કહ્યું કે ભારત બાયોટેકે ઝિકા વાયરસની રસી બનાવી છે. પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. સરકારે વધુ ટેસ્ટ કરવા પડશે, કારણ કે કેસ વધુ છે. તેમણે કહ્યું કે અમે ૨૦૧૪માં ઝીકાની રસી બનાવનારી વિશ્વની પ્રથમ કંપની હતી. અમે ઝિકા રસીની વૈશ્વિક પેટન્ટ માટે અરજી કરનાર સૌપ્રથમ હતા.

દેશમાં રસીકરણનો દર વધારવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં હર ઘર દસ્તક અભિયાન શરૂ કર્યું છે. કેન્દ્ર સરકાર આ વિશેષ અભિયાનની સમીક્ષા કરવા આજે રાજયો સાથે બેઠક કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ રસીના કવરેજને લઈને રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓની આ બેઠક બોલાવી છે.

કેન્દ્ર સરકાર આ બેઠકમાં દેશભરમાં હર ઘર દસ્તક અભિયાનની સ્થિતિ શું છે તેની સમીક્ષા કરશે. હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત લોકોને ઘરે ઘરે રસી આપવામાં આવી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

(12:09 pm IST)