Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ડ્રેગનને ભારતે આપ્યો જોરદાર આંચકો ચીની નાગરિકોને ભારતનાં ઇ-વીઝા નહિ મળે

૧૫૨ દેશો માટે ઇ-વીઝા સુવિધા પુનઃ બહાલઃ બ્રિટન-કેનેડા-સાઉદી અરેબિયા પણ લિસ્ટથી બહાર

નવી દિલ્હીઃ સરહદ પર અડીયલ અને આક્રમક વલણ દાખવી રહેલા ચીનને ભારતે તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. જો કે આ જવાબ કંઇક એવો છે જેનાથી ચોટ પણ લાગશે અને અવાજ પણ નહીં આવે. ભારત સોમવારથી ૧૫૨ દેશો માટે ઇ-વીઝા સુવિધા ફરીથી ચાલુ કરી રહ્યું છે પણ આ વખતે ચીન, હોંગકોંગ અને મકાઉને આ દેશોની યાદીમાંથી ભારતે બહાર રાખ્યા છે. જયારે તાઇવાન, વિયેટનામ, સિંગાપુર અને અમેરિકા સહિત ૧૫૨ દેશોના નાગરિકો ભારતમાં ઇ-વીઝા સુવિધાનો લાભ ઉઠાવી શકશે. ચીન ઉપરાંત, કેનેડા, યુકે, ઇરાન, મલેશીયા, ઇંડોનેશીયા અને સઉદી અરબને પણ પરસ્પર સહયોગ ના મળવાના કારણે ભારતે યાદીમાંથી બહાર રાખ્યા છે. ઇકોનોમિકસ ટાઇમ્સના સમાચારો અનુસાર, આ પહેલા ઇ-વીઝા સુવિધા ચીન સહિત ૧૭૧ દેશો માટે ઉપલબ્ધ હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે ચીનને ઇ-વીઝા સુવિધાથી દૂર રાખવાનો નિર્ણય પુર્વ લદખમાં ચીન સાથે ચાલી રહેલ તંગદિલી, અરૂણાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં સતત ચીની સૈનિકોની ઘૂસણખોરીની કોશિષના કારણે લેવાયો છે.

માર્ચ ૨૦૨૦માં કોરોના મહામારીના કારણે જાહેર થયેલ યાત્ર સંબંધી પ્રતિબંધો પછી બધા પ્રકારના ઇ-વીઝા બંધ કરાયા હતા. ત્યાર પછી ગયા વર્ષે ઓગષ્ટમાં સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ નિયમોમાં રાહત આપી અને અમેરિકા, બ્રિટન, જર્મની અને ફ્રાંસના વિદેશી નાગરિકોને એર બબલ સ્કીમ હેઠળ ભારત આવવાની મંજુરી આપી હતી. તેના બે મહિના પછી, ઇલેકટ્રોનિક, ટૂરિસ્ટ અને મેડીકલ કેટેગરી સિવાયની બાકીની બધી શ્રેણીઓના વીઝામાં છૂટ અપાઇ હતી.

(12:09 pm IST)