Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

વાયુ પ્રદૂષણથી દિલ્હીના હાલ બેહાલઃ ૧૪૧ પ્રદૂષિત શહેરોની યાદીમાં ગાઝિયાબાદ પ્રથમ

દિલ્હીમાં પહેલેથી જ પ્રદૂષણના કારણે મુશ્કેલીઓ સર્જાયેલી છે અને દિવાળી પછી તો સ્થિતિને સુધારવી મુશ્કેલ બની રહી છેઃ દિવાળીના ૬ દિવસ બાદ પણ ૪૨૮ AQI નોંધાયો છે

નવી દિલ્હી,તા. ૧૧: રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ દિવસે દિવસે વધતુ જ જઇ રહ્યુ છે. એનસીઆરમાં તો સ્થિતિ ખૂબ જ ખરાબ બની છે. દિવાળીના ૬ દિવસ બાદ તો NCRના શહેરોમાં પ્રદૂષણ ઓસરવાનું નામ નથી જ લઈ રહ્યું. NCRમાં ગાઝિયાબાદમાં સૌથી ખરાબ હવા છે.

ગાઝિયાબાદમાં AQI સૌથી ખરાબ છે. જેને કારણે બુધવારે દેશના ૧૪૧ સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં તેને પ્રથમ સ્થાન મળ્યું છે. આ સાથે બુલંદશહરથી પાણીપત સુધીની સ્થિતિ પણ ગંભીર છે. આગામી બે દિવસ સુધી સ્થિતિ એવી જ રહેશે. ૧૩ નવેમ્બરથી હવાની ગુણવત્ત્।ાના સ્તરમાં થોડો સુધારો થવાની ધારણા છે.ગાઝિયાબાદનો AQI ૪૨૮ હતો. AQI ફરીદાબાદમાં ૩૮૦, ગ્રેટર નોઈડામાં ૩૭૮, ગુરુગ્રામમાં ૩૪૦ અને નોઈડામાં ૩૭૪ છે.

દિલ્હીના પાડોશી રાજયોમાં પરાળ સળગાવવાની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૩૧૭ સ્ટબલ બળી ગયા છે. જેના કારણે જનરેટ થતા PM 2.5નો પ્રદૂષણમાં ૨૭ ટકા હિસ્સો છે. એનસીઆર અને નજીકના શહેરોમાં વધતા પ્રદૂષણનું આ એક મુખ્ય કારણ માનવામાં આવે છે. પવનની દિશા ઉત્ત્।ર-પશ્ચિમ રહે છે, પરંતુ ઝડપ હળવી રહે છે. આના કારણે સ્ટબલનો ધુમાડો ઓછી માત્રામાં દિલ્હી-એનસીઆર સુધી પહોંચ્યો છે.

અનુમાન છે કે આગામી બે દિવસમાં પવનની ગતિ વધશે અને દિલ્હી-એનસીઆરમાં સ્ટબલના ધુમાડા વધવા લાગશે. આનાથી હવાની ગુણવત્ત્।ા વધુ ખરાબ થવાની સંભાવના છે.તેમજ સ્થાનિક રીતે ફૂંકાતા પવનની ઝડપ ઓછી હોવાને કારણે પ્રદૂષણનો ફેલાવો ઓછો થશે અને તે લાંબા સમય સુધી એક જ જગ્યાએ રહેશે. જેના કારણે દિલ્હી-એનસીઆર પર પ્રદૂષણની ચાદર છવાયેલી રહી શકે છે. બુધવારે હવામાં પીએમ ૧૦નું સ્તર ૩૨૧ અને હવામાં પીએમ ૨.૫નું સ્તર ૧૯૮ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર હતું.

દિલ્હીમાં પ્રદૂષણને રોકવા માટે હવે દિલ્હી સરકારે કમર કસી છે. દિલ્હી સરકાર ૧૧ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર સુધી 'એન્ટી ઓપન બર્નિંગ' અભિયાન ચલાવશે. ૧૦ વિભાગોની ૫૫૦ ટીમો તેના પર નજર રાખશે. ૩૦૪ ટીમો દિવસ દરમિયાન અને ૨૪૬ ટીમો રાત્રે પેટ્રોલિંગ કરશે. સરકારે ડીઝલ જનરેટર અને કોલસાની ભઠ્ઠીઓ પર પ્રતિબંધ, મેટ્રો અને બસની ફ્રિકવન્સી વધારવાના નિર્દેશો પણ આપ્યા છે.

સૌથી વધુ AQI ધરાવતા શહેરો

 

બુલંદશહર

૪૦૯

હાપુર

૪૧૨

બાગપત

૪૦૯

જીંદ

૪૦૭

કૈથલ

૪૧૦

પાણીપત

૪૧૭

દિલ્હી

૩૭૨

ફરીદાબાદ

૩૮૦

ગ્રેટર નોઈડા

૩૭૮

ગુરૂગ્રામ

૩૪૦

નોઇડા

૩૭૪

(10:02 am IST)