Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

વેક્સિન લેનારામાં મોતનું જોખમ ૧૬ ગણું ઓછું

કોરોના સામેની લડાઈમાં વેક્સિન કારગર પુરવાર થઈ : વેક્સીનનો એક ડોઝ લેનારા લાખ લોકોમાંથી ૧૬ લોકો એવા હતા જેમના મોત થયા કે સારવાર કરાવી પડી

સિડની, તા.૧૦ : કોરોના સામેની લડાઈમાં કોરોના વેક્સીન મુકવાની કામગીરી દુનિયાના ઘણા દેશોમાં પૂરજોશમાં ચાલી રહી છે. વેક્સીનને કોરોના સામેની લડાઈમાં સૌથી મોટુ હથિયાર માનવામાં આવે છે ત્યારે ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ દાવો કર્યો છે કે, કોરોના વેક્સીન લેનારા લોકોમાં વેક્સીન નહીં લેનારા લોકો કરતા મોતનુ જોખમ ૧૬ ગણુ ઓછુ થઈ જાય છે. એક મીડિયા રિપોર્ટમાં ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યુ છે કે, વેક્સીનનો એક ડોઝ લેનારા ૧ લાખ લોકોમાંથી ૧૬ લોકો એવા હતા જેમને કોરોના થયા બાદ સારવાર માટે આઈસીયુમાં દાખલ થવુ પડ્યુ હતુ અથવા તો તેમનુ મોત થયુ હતુ.જ્યારે વેક્સીનના બંને ડોઝ લઈ ચુકેલા એક લાખ લોકોમાંથી માત્ર એક જ વ્યક્તિને આઈસીયુમાં દાખલ થવુ પડ્યુ હતુ અથવા તેનુ મોત થયુ હતુ. ઓસ્ટ્રેલિયામાં હાલમાં ફાઈઝર તેમજ બાયોએનટેક દ્વારા સંયુક્ત રીતે વિકસાવેલી વેક્સીન તેમજ ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકા કંપનીએ વિકસાવેલી વેક્સીન લોકોને લગાવવામાં આવી રહી છે. આ સર્વેક્ષણમાં એવો પણ દાવો કરાયો છે કે, સમયની સાથે  શરીરમાં એન્ટીબોડી ઓછુ થાય તો પણ રસી લગાવેલી હોવાથી ગંભીર બીમારી અને મોતનુ જોખમ ઓછુ થાય છે.

(12:00 am IST)