Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

આશા, આંગણવાડી વર્કર્સને ૧૦૦૦૦ આપવા વચન

ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલાં કોંગ્રેસનું વચન : આ બહેનોએ લગનથી સમાજની સેવા કરી છે અને માનદ વેતન તેમનો હક છે, જે મળવો જોઈએ : પ્રયિંકા ગાંધી

નવી દિલ્હી, તા.૧૦ : યુપી વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વધુ એક મોટો વાયદો કર્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ છે કે, જો કોંગ્રેસની સરકાર બની તો આશા વર્કર્સ અને આંગણવાડી વર્કર્સને દર મહિને ૧૦૦૦૦ રુપિયાનો પગાર આપવામાં આવશે.આ બહેનોએ કોરોના તેમજ બીજા ઘણા પ્રસંગોએ પૂરી લગનથી સમાજની સેવા કરી છે અને માનદ વેતન તેમનો હક છે તેમજ સરકારની ફરજ છે કે તેમની વાત સાંભળે.આશા વર્કર્સ બહેનો સન્માનની હકદાર છે.તેમની લડાઈમાં હું સાથે છું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે જઈ રહેલી આશા વર્કર્સને પોલીસે રોકી દીધી હતી અ્ને તેમની સાથે મારપીટ પણ કરી હતી. આ પહેલા પ્રિયંકા ગાંધી ચૂંટણીમાં કોંગ્રેસની ૪૦ ટકા ટિકિટ મહિલાઓને આપવા માટે તેમજ વિદ્યાર્થિનીઓને સ્માર્ટ ફોન તથા સ્કૂટી આપવા માટે જાહેરાત કરી ચુકયા છે.આમ પ્રિયંકા ગાંધી મહિલાઓના દમ પર આ ચૂંટણી લડવા માગે છે તે સ્પષ્ટ થઈ રહ્યુ છે.

 

(12:00 am IST)