Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ઔરંગાબાદ ખાતે વેકસીન નહિ લેનારને પેટ્રોલ ગેસ રાશનથી વંચીત રહેવું પડશે

મહારાષ્‍ટ્ર ખાતે વેકસીનેશન અભિયાનની શરૂઆત

નવી દિલ્‍હી : દેશમાં લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે મોટા પાયે વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

તેના આધારે 109 કરોડ લોકોને વેક્સિનના ડોઝ અપાયા છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્રમાં પણ વેક્સિનેશન અભિયાન શરૂ કરાયું છે. આ સાથે ઔરંગાબાદમાં પણ સરકારે ખાસ આદેશ જાહેર કર્યો છે. અહીં જે લોકોએ વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી તેમને પેટ્રોલ, ગેસ કે રાશન મળશે નહીં. તેનો હેતુ લોકોને વેક્સિન લગાવવા માટે પ્રેરિત કરવાનો છે.

નવા આદેશ અનુસાર વેક્સિન નહીં લગાવનારાને જિલ્લામાં પર્યટન સ્થળોએ પ્રવેશ મળી શકશે નહીં. તેમની અવર જવરને લઈને જિલ્લા અને રાજ્ય સ્તરે પ્રતિબંધ લગાવાશે. એવામાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ 20 નવેમ્બર સુધી નક્કી કરાયેલા 100 ટકા વેક્સિનેશનના લક્ષ્‍યને પૂરું કરવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આદેશના અનુસાર દરેક હોટલ, રિસોર્ટ, દુકાનોમાં કામ કરનારા લોકો માટે વેક્સિન લગાવવાનું અનિવાર્ય કરાયું છે. આ આદેશ જિલ્લામાં 9 નવેમ્બરથી લાગૂ થશે.

ઔરંગાબાદ વેક્સિનેશનને લઈને મહારાષ્ટ્રનો 26મો જિલ્લો છે. અહીં ધીમું વેક્સિનેશન જોવા મળ્યું છે. મહારાષ્ટ્રમાં વેક્સિનેશનનો સરેરાશ આંક 74 ટકા છે તો ઔરંગાબાદમાં વેક્સિન લગાવવા યોગ્ય લોકોમાં ફક્ત 55 ટકાએ વેક્સિનનો એક જ ડોઝ લીધો છે. 23 ટકા લોકોએ વેક્સિનના બંને ડોઝ લીદા છે. તહેવારની સીઝનમાં કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરની આશંકાને જોતા વેક્સિનેશનને ગતિ આપવાનો નિર્ણય લેવાયો છે.

જો તમે પણ મહારાષ્ટ્રના વતની છો અને હજુ સુધી તમે કોરોના વેક્સિનનો એક પણ ડોઝ નથી લીધો તો તમારે ચેતી જવાની જરૂર છે. જો તમે આ વેક્સિન નહીં લો તો તમે સરકારના નવા નિયમ અનુસાર અવરજવર માટે રોકટોકને પાત્ર બની શકો છો. આ સાથે જ તમે જીવનજરૂરી વસ્તુઓ રાશન, ગેસ અને પેટ્રોલથી વંચિત રહી જાઓ તે પણ શક્ય છે. જ્યારે તમે આ જીવનજરૂરી વસ્તુઓ નહીં મેળવી શકો તો તે તમારા માટે મુશ્કેલી સર્જી શકે છે. માટે યોગ્ય એ જ છે કે સરકારને વેક્સિનેશન અભિયાનમા સાથ આપો અને તમે પણ કોરોનાની વેક્સિન લઈ લો. જો તમે વેક્સિનનો એક ડોઝ પણ લીધો હશે તો તમે આ મુશ્કેલીઓથી બચી શકો છો.

(10:52 pm IST)