Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ઉત્તરપ્રદેશના વધુ એક જિલ્લાનું નામ બદલવા યોગી સરકારની કવાયત

મુખ્‍યમંત્રીએ આપેલા સંકેત બાદ તંત્ર હરકતમાં આવ્‍ય઼ુ

નવી દિલ્‍હી : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પછી યોગી આદિત્ય નાથે અનેક જિલ્લાના નામ બદલી નાંખ્યા છે. હવે અન્ય એક જિલ્લાનું નામ પણ બદલવામાં આવશે તેવો સ્પષ્ટ સંકેત યોગીએ આપ્યો છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે સ્પષ્ટ રીતે સંકેત આપ્યો છે કે રાજ્યના વધુ એક જિલ્લાનું નામ બદલી શકાય છે. મંગળવારે બદાયું જિલ્લામાં એક સમારોહને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યુ કે બદાયૂં પહેલાં વેદામઉ તરીકે જાણીતું હતું.

એ વૈદિક અધ્યયનનું કેન્દ્ર હતું અને સૌથી મોટી ઉપજાઉ ભૂમિ છે. જો કે આ પહેલાં બદાયુંનું નામ બદલવાની કોઇ માંગ ઉઠી નહોતી, પરંતુ મુખ્યમંત્રી યોગીના સંકેત પછી સ્થાનિક ભાજપ એકમ હરકતમાં આવી ગયું છે અને ટુંક સમયમાં જ સત્તાવાર જાહેરાત થઇ શકે છે.

બદાયુંના સ્થાનિક ભાજપ નેતા રજિત સભરવાલે કહ્યું હતું કે અમે હવે બદાયુંનું નામ બદલવાની ઔપચારિક માંગ કરીશું અને અમે તેની તૈયારી પણ કરી દીધી છે. સભરવાલે કહ્યુ કે અમે ઇતિહાસના તથ્યોને શોધી રહ્યા છે અને અમને આશા છે કે વિધાનસભાની ચૂંટણી પહેલાં પ્રક્રિયા પુરી કરી દેવામાં આવશે.

પૌરાણિક કથાઓ મુજબ બદાયુંનું નામ અહીર રાજકુમાર બુધ્ધના નામ પરથી પડ્યું હતુ. પ્રોફેસર ગોટી જોનના કહેવા મુજબ એક પ્રાચીન શિલાલેખમાં આ શહેરનું નામ વેદામૂથ રાખવામાં આવ્યું હતું અને આ વિસ્તારને પાંચાલ કહેવાતું હતું. શિલાલેખમાં લખાયેલા પંકિત અનુસાર નગરની નજીક એક ગામ ભગૌનલક હતું.

એક મુસ્લિમ ઇતિહાસકાર રોઝ ખાન લોધીએ કહ્યું છે કે અહીં અશોક ધ ગ્રેટે એક બોધ્ધ વિહાર અને કિલ્લો બનાવ્યો હતો અને તેનું નામ બુધ્ધમઉ રાખ્યું હતું. જો કે દિલચસ્પ વાત એ છે કે બદાયૂંમાં 21 ટકા વસ્તી મુસ્લિમ છે.

ઉત્તર પ્રદેશમાં અલીગઢનું નામ બદલીને હરિગઢ અને સુલતાનપુરનું નામ બદલીને કુશભવનપુર કરવાની દરખાસ્ત રાજ્ય સરકાર પાસે પેન્ડિંગ છે અને હવે બદાયુંનું નામ બદલવાની તૈયારી ચાલી રહી છે.

પશ્ચિમ ઉત્તર પ્રદેશના મધ્યમાં ગંગા નદીની નજીક આવેલા બદાયું મોટા બજાર અને ધાર્મિક રીતે મહત્ત્વનું શહેર છે. બદાયુંનું પહેલાં ઉચારણ વોડમયુતા થતું હતું. જાણવા મળેલી માહિતી મુજબ બુદૌન સુલતાન ઇલ્તુમિશના શાસન 1210 CEથી 1214 CE સુધી તે દિલ્હી સલ્તનતની રાજધાની હતી. બદાયું એક ઐતિહાસક નગર તરીકે જાણીતું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

(10:01 pm IST)