Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જોરશોરથી અભિયાન દ્વારા મોદી સરકાર સામે મેદાનમાં આવવા તૈયાર

મોંઘવારી-ગુન્‍હાખોરી સહિત અનેક પ્રશ્‍ને સરકારને ઘેરવા પ્રયાસ કરશે : ૧૪ નવેમ્‍બરથી કોંગ્રેસ જનજાગરણ અભિયાન હેઠળ અનેક કાર્યક્રમો દેશભરમાં યોજાશે

નવી દિલ્‍હી : દેશમાં વધતી મોંઘવારીને લઈને કોંગ્રેસ હવે જન જાગરણ અભિયાન નામથી નવું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે.

આ આંદોલન 14 નવેમ્બરથી લઈને 29 નવેમ્બર સુધી ચલાવામાં આવશે. સમગ્ર મામલે કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ દ્વારા જાણકારી આપવામાં આવી છે.

આ આંદોલનમાં કોંગ્રેસ કાર્યકર્તા સીએનજી, રસોઈ ગેસ. ડીઝલ, પેટ્રોલ, ખાદ્ય તેલ અને દાળ જેવી જીવન જરૂરીયાતની વસ્તુઓને લઈને અવાજ ઉઠાવામાં આવશે. સાથેજ આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. જેમા તેમણે કહ્યું કે સરકાર જે રીતે મોંઘવારી વધારી રહી છે. તેને લઈને કોંગ્રેસનું આંદોલન અન્યાયનો જવાબ માગશે.

એવી માહિતી પણ સામે આવી છે કે કોંગ્રેસ આ અભિયાનને લઈને એક લોગો પણ બનાવી રહી છે. જે લોગો મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દાંડી માર્ચ જેવો હશે. તે સિવાય 12 નવેમ્બરથી સોશિયલ મીડિયા પર અભિયાન પણ ચલાવામાં આવશે. જેમા કોંગ્રેસ નેતાઓ સોશિયલ મીડિયા પર લાઈવ થઈને એક ટોલ ફ્રી નંબરની જાહેરાત પણ કરવાના છે.

ઉલ્લેખનીય છે કે મંત્રીમંડળ સમિતિ દ્વારા સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી આયોજિત કરવા કહેવામાં આવ્યું છે. જેથી શિયાળું સત્ર પહેલાજ કોંગ્રેસ પોતાનું અભિયાન ચલાવાની છે. આ વખતે પણ શિયાળું સત્ર કોરોના પ્રોટોકોલ સાથે આયોજિત કરવામાં આવશે. પરંતુ ગત વર્ષે કોરોનાને કારણે શિયાળું સત્ર નહોતું યોજાયું.

(9:59 pm IST)