Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

સાવધાન : ધ્રુમપાન કરનાર વ્યક્તિએ જીવન વીમા માટે ચૂકવવુ પડશે 80% ઉંચુ પ્રીમિયમ

વીમા કંપનીઓ પ્રીમિયમ નક્કી કરતી વખતે સ્વાસ્થ્યના જોખમને ધ્યાને રાખતી હોય છે

 

નવી દિલ્હી : સિગરેટ પીવાથી શરીરને વધારે નુકસાન થાય છે માટે વીમા કંપનીઓ સીગરેટ પીનારા લોકો માટે વધુ ચાર્જ ઉમેરે છે. સિગરેટ દ્વારા હ્રદયરોગ અને બ્લડ પ્રેશરની બિમારીઓ વધવાની સંભાવના હોય છે. ખાસ કરીને ફેફસાને લગતા રોગની સંભાવનાઓ વધુ રહે છે. વીમા કંપનીઓ પ્રીમિયમ નક્કી કરતી વખતે સ્વાસ્થ્યના જોખમને ધ્યાને રાખતી હોય છે.

જીવન વીમા કંપનીઓ સામાન્ય રીતે વીમા લેનારાઓને બે ભાગમાં વહેંચે છે. પ્રથમ જોખમકારક જોબ પ્રોફાઇલ્સવાળા લોકો અને બીજા ઉચ્ચ જોખમની જોબ પ્રોફાઇલવાળા લોકો. ઓછા જોખમની જોબ પ્રોફાઇલ્સમાં સોફ્ટવેર એન્જિનિયર્સ, બેન્કર્સ અને માર્કેટિંગ સલાહકારોનો સમાવેશ થાય છે. જ્યારે ઉચ્ચ જોખમવાળી જોબ પ્રોફાઇલ્સમાં પોલીસ અને અન્ય જોખમી કાર્યકારી શામેલ છે. ઉંચા જોખમની જોબ પ્રોફાઇલવાળા લોકોએ સામાન્ય લોકો કરતા વધારે પ્રીમિયમ ચૂકવવું પડે છે. ધૂમ્રપાન કરનારાઓ તેમની નોકરીની પ્રોફાઇલને ધ્યાનમાં લીધા વિના વધુ જોખમી માનવામાં આવે છે.

સિગરેટ પીતા વ્યક્તિને પ્રીમિયમ માટે 70 થી 80 ટકા સુધી ચૂકવવું પડશે. ઉદાહરણ તરીકે જો કોઇ વ્યક્તિ 1 કરોડની ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી લે છે તો જે વ્યક્તિ સિગરેટ નથી પીતી તો તેના માટે વાર્ષિક પ્રીમિયમ 8500 છે, જ્યારે સિગરેટ પીનાર વ્યક્તિ માટે 15000 રૂપિયા છે. પોલિસી લીધા બાદ જો તમે સ્મોકિંગ કરવાનું શરૂ કર્યુ છે તો ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવી જરૂરી છે. જેના કારણે તમારુ પ્રીમિયમ પણ વધી શકે છે. જો તમે સમયસર પોતાની આદતની જાણકારી નહિં આપી હોય અને કોઈ બિમારીને કારણે જિંદગીને ખતરો ઉભો થશે તો ક્લેમની રકમ આપવા માટે કંપની મનાઈ કરી શકે છે.

(12:45 am IST)