Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

નિતિશકુમાર પર પથ્થર ફેંકાયા ત્યાં જેડીયુની જીત અને તેજસ્વી પર ચપ્પલ ફેંકાયું ત્યાં કોંગ્રેસ વિજેતા

ચૂંટણીમાં પ્રચાર દરમિયાન નેતાઓ પર ચપ્પલ, ડુંગળી કે પથ્થરો ફેકવાની ઘટનાઓ બની

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન નેતાઓ પર ચપ્પલ, ડુંગળી કે પથ્થરો ફેકવાની ઘટનાઓ બની હતી. જોકે નેતાઓ સાથે આ ઘટનાઓ બની તે વિસ્તારમાં કોની જીત થઇ તેનું એક તારણ બહાર આવ્યું છે. મુખ્ય પ્રધાન નિતિશ કુમાર પર એક સભામાં પથ્થર તો બીજીમાં ડુંગળી ફેકવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર દરમિયાન આરજેડીના તેજસ્વી યાદવ પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું.

હરલીખી બેઠકની વાત કરીએ તો અહીં મુકાબલો જદ(યુ) અને સીપીઆઇની વચ્ચે હતો. સીપીઆઇથી રામ નરેશ પાંડે અને જદ(યુ)ના સુધાંશુ શેખર આમને સામને હતા. આ ચૂંટણીમાં જદ(યુ)ના ઉમેદવાર સુધાંશુ જીતી ગયા હતા અને તેમને ૬૦૩૯૩ મત મળ્યા હતા.

બીજા ક્રમે રામ નરેશ પાંડે રહ્યા જેમને ૪૨૮૦૦ મતોથી સંતોષ માનવો પડયો હતો. નિતિશ કુમાર પર ડુંગળી ફેંકવામાં આવી ત્યારે તેઓએ કહ્યું હતું કે હજુ ફેંકો ડુંગળી મારા પર જેટલી ફેંકવી હોય તેટલી ફેંકો હું નહીં રોકું.

બિહારના ઔરંગાબાદના કુટુમ્બા વિધાનસભા ક્ષેત્રમાં બભંડીમાં તેજસ્વી યાદવ પર ચૂંટણી પ્રચાર દરમિયાન રેલીમાં ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું જેની તસવીર અને વીડિયો વાઇરલ થયા હતા. તેજસ્વી પર બે વખત ચપ્પલ ફેંકવામા આવ્યા. જોકે તેના પર તેજસ્વીએ કોઇ ધ્યાન જ ન આપ્યું કે પોતાના ભાષણમાં પણ તેનો કોઇ જ ઉલ્લેખ નહોતો કર્યો.

જોકે આ બેઠક પર તેઓ જે કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા હતા તે રાજેશ કુમારને ૫૦૮૨૨ મત મળ્યા હતા. તેમની સામે હમના ઉમેદવાર હારી ગયા હતા.

(9:39 pm IST)