Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

૧૪ પુત્રો બાદ પુત્રી આવતા દંપતીએ કહ્યું, પરિવાર પુરો

અમેરિકાના મિશિગનની રસપ્રદ ઘટના :૧૪ ભાઈઓની એક માત્ર બહેનનું વજન ૩.૪ કિગ્રા છે

મિશિગન, તા.૧૧ : અમેરિકાના મિશિગન રાજ્યમાં એક કપલના ઘરે ૧૪ દીકરાઓ પછી એક દીકરીનો જન્મ થયો છે. દીકરીના જન્મને લીધે આ કપલની ફરીથી ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. મા કેટરી શ્વાંટે આ મહિને દીકરીને જન્મ આપ્યો છે. તેનું નામ મેગી ઝેન રાખ્યું છે. ૧૪ ભાઈઓની એકમાત્ર બહેનનું વજન ૩.૪ કિલોગ્રામ છે અને તે એકદમ સ્વસ્થ છે. મેગીના પિતા જે શ્વાંટે કહ્યું કે, મારી અને મારી પત્નીની ઉંમર ૪૫ વર્ષ છે. મેગીના આગમનથી અમે બધા ખુશખુશાલ છીએ. મર્સી હેલ્થ સેન્ટ હોસ્પિટલમાં આ બાળકીના જન્મ પછી ભવ્ય સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું.

કપલના સૌથી મોટા દીકરા ટેલરની ઉંમર ૨૮ વર્ષની છે. તેણે જણાવ્યું કે, 'અમારા ઘરમાં એક છોકરીની કમી હતી. તેને લીધે ઘરમાં પિંક કલરની કોઈ પણ વસ્તુ આવતી નહોતી. મારી માતાએ પણ ક્યારેય પિંક કલરના કપડાં ખરીદ્યા નથી, પરંતુ મેગીના આવવાથી હવે ઘરમાં પિંક કલરની વસ્તુઓ આવશે.લ્લટેલર માતા-પિતાથી દૂર ૨૦૦ એકરમાં બનેલા ખેતરમાં રહે છે. ટૂંક સમયમાં તેના લગ્ન થવાના છે. ૧૫ સંતાનોના માતા-પિતા હાઈ-સ્કૂલથી એકબીજાને ડેટ કરતા હતા. તેમણે ૧૯૯૩માં લગ્ન કર્યા. લગ્ન પછી બંને ફેરિસ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. ગ્રેજ્યુએશન સમયે જ તેમના ઘરે ત્રણ બાળકોનો જન્મ થઇ ગયો હતો. એ પછી તેમના પરિવારમાં નાનકડા મહેમાન વધતા જ ગયા. ૧૪ દીકરાઓ પછી ૧ દીકરીના જન્મથી આ પરિવાર કમ્પ્લીટ થયો.

(9:00 pm IST)