Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

સેન્સેક્સમાં ૩૧૬ પોઈન્ટનો ઊછાળો : નવી ઊંચાઈએ બંધ

શેરબજારોએ આઠમા ટ્રેડિંગ સેશનમાં જોર પકડ્યું : નિફ્ટી ૧૨,૭૦૦ની ઉપર : ટાટા સ્ટીલનો શેર સૌથી વધુ ઊંચકાયો, ઈન્ડસઇન્ડ બેન્ક, રિલાયન્સના ભાવ તૂટ્યા

મુંબઈ, તા.૧૧ : શેરબજારોએ બુધવારે સતત આઠમા ટ્રેડિંગ સેશનમાં જોર પકડ્યું હતું અને બીએસઈ સેન્સેક્સ ૩૧૬.૦૨ પોઇન્ટના વધારા સાથે રેકોર્ડ ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો. મુખ્યત્વે વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ અને મજબૂત મૂડી પ્રવાહને કારણે બજારમાં વેગ મળ્યો. ત્રીસ શેર્સ પર આધારીત બીએસઈ સેન્સેક્સ એક સમયે, ૪૩,૭૦૮.૪૭ પોઇન્ટની ઓલ-ટાઇમ ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો. અંતે, તે ૩૧૬.૦૨ પોઇન્ટ એટલે કે ૦.૭૩ ટકાના વધારા સાથે ૪૩,૫૯૩.૬૭ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે, જે બંધની ઊંચાઈ માટેનો તેનો નવો રેકોર્ડ છે.

એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી કારોબાર દરમિયાન ૧૨,૭૬૯.૭૫ પોઇન્ટ સુધી ગયો હતો. અંતે, તે ૧૧૮.૦૫ પોઇન્ટ અથવા ૦.૯૩ ટકાના વધારા સાથે ૧૨,૭૪૯.૧૫ પોઇન્ટની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સના શેરોમાં ટાટા સ્ટીલ સૌથી વધુ ઊંચકાયો હતો. તે લગભગ ૮ ટકા વધ્યો હતો. આ સિવાય એક્સિસ બેક્ન, બજાજ ફિનસર્વ, આઇટીસી, ઇન્ફોસીસ, સન ફાર્મા, કોટક બેંક, ઓએનજીસી અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં પણ સારી વૃદ્ધિ નોંધાઈ છે. બીજી તરફ ઈન્ડસઇન્ડ બેક્ન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાઇટન, એશિયન પેઇન્ટ્સ અને એચડીએફસી બેક્નના શેરોના ભાવમાં ઘટાડો થયો હતો.

રિલાયન્સ સિક્યોરિટીઝના સંસ્થાકીય વ્યવસાયના વડા યશ મહાજને જણાવ્યું હતું કે સ્થાનિક બજારોમાં ઉછાળો મજબૂત રહ્યો છે અને સતત આઠમા ટ્રેડિંગ સેશનમાં છે. આનું મુખ્ય કારણ એ છે કે બીઓ એંટેક અને ફાઇઝર દ્વારા સંયુક્ત રીતે વિકસિત કોરોના વાયરસ રસી વિશે સ્પષ્ટતા કરવામાં આવતી બાબતો વિશે રોકાણકારો ઉત્સાહિત છે. આ સિવાય બીજા ક્વાર્ટરમાં કંપનીઓના સારા પરિણામોએ પણ સેન્ટિમેન્ટને અસર કરી છે. બુધવારે બજારમાં કેટલાક ઉતાર-ચઢાવ જોવા મળ્યા. આનું કારણ કેટલીક અગ્રણી કંપનીઓના શેરમાં નફાનું બુકિંગ હતું. પરંતુ ફાર્માસ્યુટિકલ, મેટલ, આઇટી અને ઓટો કંપનીઓના શેરોએ બજારમાં જોર પકડ્યું હતું, તેમણે જણાવ્યું હતું.

મહાજને કહ્યું કે આ સિવાય બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) ની જીતની પણ બજાર પર સારી અસર પડી. એશિયાના અન્ય બજારોમાં શાંઘાઇ અને હોંગકોંગને નુકસાન થયું હતું,  જ્યારે સિઓલ અને ટોક્યો નફામાં હતા. શરૂઆતના વેપારમાં, યુરોપના મુખ્ય બજારોમાં ઉછાળો હતો. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૩.૧૨ ટકા વધીને ૪૪.૯૮ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો છે.

વિદેશી બજારો અને મોંઘા ક્રૂડ તેલમાં યુએસ ચલણ મજબૂત થવાને કારણે બુધવારે અમેરિકન ડોલર સામે રૂપિયો ૧૮ પૈસા તૂટીને ૭૪.૩૬ પર પહોંચી ગયો છે. જોકે, વેપારીઓના મતે સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં સકારાત્મક વલણ અને નબળા ડલરને સ્થાનિક ચલણને ટેકો મળ્યો, જે ઘટાડાને સરભર કરવામાં મદદ કરશે. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો યુએસ ડોલર સામે ૭૪.૨૪ ના સ્તરે ખુલ્યો હતો, અને પછી દિવસના અંતે તે  ૭૪..૩૬ ની સપાટીએ બંધ રહ્યો હતો, તે દિવસના ઉચ્ચ સ્તરના ૭૪.૧૮ અને નીચલા સ્તરના ૭૪.૫૦ ની વચ્ચે ફરી રહ્યો હતો. આમ અગાઉના બંધ ભાવની તુલનામાં રૂપિયો ૧૮ પૈસા તૂટ્યો હતો. અગાઉના સત્રમાં ડોલર સામે રૂપિયો ત્રણ પૈસા તૂટીને ૭૪.૧૮ ની સપાટીએ બંધ રહ્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે સ્થાનિક ચલણ પર દબાણ આવ્યું છે. દરમિયાન, વૈશ્વિક ઓઇલ બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ વાયદો ૩.૨૬ ટકા વધીને ૪૫.૦૩ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે.

(7:33 pm IST)