Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

મહારાષ્ટ્રમાંથી મળતા બામ્બુમાંથી ઍવિયેશન ફયુઅલ બનાવવા ગતિવિધી શરૂઃ બાયો રિફાઇનરી સ્થાપવાનું આયોજન થઇ રહ્નાનું જાહેર કરતા નીતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાંથી મળતા બામ્બૂમાંથી એવિયેશન ફ્યુઅલ માટે બાયો-રિફાઇનરી સ્થાપવાનું આયોજન કરી રહ્યા છે. મેં આ પ્રોજેક્ટ પર બેથી ત્રણ વર્ષ પહેલા કામ કરવાનું શરૂ કરી દીધું છે. હું તમને બાયો ફ્યુઅલથી ફ્લાઇટ ઉડશે તે બતાવીશ, એમ તેમણે તેના ઉદઘાટન સમારંભમાં જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારત સ્કીમનું ધ્યેય ભારતને ખુશહાલ, વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાનું છે.

તેમણે જણાવ્યું હતું કે દેશને અંત્યોદયની પરિકલ્પનાને અનુસરવાની જરૂર છે. ભારતીય જનસંઘના સ્થાપક દીન દયાળ ઉપાધ્યાયની આ પરિકલ્પના હતી કે છેલ્લામાંથી છેલ્લા માણસનું કલ્યાણ થવું જોઈએ. ગડકરીએ નાગપુર જિલ્લાના જાહેર પ્રતિનિધિઓને આગામી બેથી ત્રણ વર્ષમાં કમસેકમ દસ હજાર લોકોને સ્વરોજગાર મળે તે માટેના નાના કાર્યક્રમો ચલાવવા કહ્યું છે.

તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સ્વદેશી ઉત્પાદનની  તરફેણ કરી છે અને જણાવ્યું હતું કે આયાતો ઘટાડવાની અને નિકાસો વધારવાની જરૂર છે. તેમણે આ ઉપરાંત ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ અને નિકાસલક્ષી વિભાગ સ્થાપવાનું સૂચન કર્યુ છે, જેના માટે અલગ ભંડોળ પણ રાખવું જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે વિલેજ ઇન્ડસ્ટ્રીઝનું ટર્નઓવર ગયા વર્ષના  80,000 કરોડ રૂપિયાથી વધીને એક લાખ કરોડ થયું છે અને હવે તેને ટૂંક સમયમાં પાંચ લાખ કરોડ પર લઈ જવાનો લક્ષ્યાંક છે. દેશ હવે સંરક્ષણ, ઓટોમોબાઇલ અને કેટલાક બીજા ક્ષેત્રોમાં આત્મનિર્ભર થઈ રહ્યો છે. આ સિવાય આપણો દેશ આગામી પાંચ વર્ષમાં વિશ્વનું સૌથી મોટું ઇ-વ્હીકલ ઉત્પાદન કેન્દ્ર બનશે, જેની રેન્જમાં ટુ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ અને કારથી લઈને કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટનું ઉત્પાદન પણ થશે.

(6:09 pm IST)