Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

૨ દાયકામાં લોજપાનો સૌથી કંગાળ દેખાવઃ ચિરાગે દહીં અને દૂધમાં પગ રાખતા પક્ષ ડૂબી ગયો

નવી દિલ્હી, તા.૧૧: લોક જનશકિત પાર્ટીના ચિરાગ પાસવાને કહ્યું હતું કે બિહારની વિધાનસભા ચૂંટણીમાં મળેલો વિજય નરેન્દ્રભાઇ મોદીનો વિજય છે, નીતિશ કુમારનો નહીં. રાજદના તેજસ્વી યાદવ કરતાં અંગત રીતે સૌથી વધુ અફસોસ ચિરાગને થયો હોવો જોઇએ. એણે દૂધ અને દહીં બંનેમાં પગ રાખ્યા હતા. એ નરેન્દ્રભાઇ મોદીને પોતાના નેતા ગણાવતો હતો પરંતુ નીતિશ કુમારની જાહેરમાં ટીકા કરતો હતો. એ પોતાના પોસ્ટર્સમાં અને હોર્ડિંગ્સમાં વડા પ્રધાન સાથે પોતાના ફોટોગ્રાફ મૂકતો હતો.

ચૂંટણી પહેલાં એના પિતા કેન્દ્રના પ્રધાન રામ વિલાસ પાસવાનના નિધનથી ચિરાગને એવો ખ્યાલ હતો કે પોતાના પક્ષને સહાનુભૂતિના મતો મળશે. પરંતુ હકીકત એ છે કે છેલ્લાં પંદર વીસ વર્ષમાં લોજપે આ ચૂંટણીમાં સૌથી કંગાળ દેખાવ કર્યો હતો. ૨૪૩માંથી ચિરાગના પક્ષને રોકડી એક બેઠક મળી હતી. એણે તો સંખ્યાબંધ ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જીતન રામ માંઝીએ એના પર એવો આક્ષેપ કર્યો હતેા કે પિતા રામ વિલાસ પાસવાનના અંતિમ સંસ્કાર પ્રસંગે ચિરાગે સ્મશાનમાં બેભાન થવાનું નાટક કર્યું હતું અને બીજા દિવસે હસતા મોઢે પ્રચારની વિડિયોનું શૂટિંગ કરતો હતો. જે હો તે, આ ચૂંટણીમાં સૌથી વધુ નુકસાન લોજપને થયું હતું. ચિરાગે પોતાના ટેકેદારો દ્વારા એવી માગણી પણ કરાવી હતી કે રામ વિલાસ પાસવાનના મરણના કારણે કેન્દ્રનું એમનું પ્રધાનપદ ચિરાગને મળવું જોઇએ.

(3:35 pm IST)