Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

શહેરમાં બપોર સુધીમાં વધુ ૧૮ રિપોર્ટ પોઝિટિવ

કુલ કેસનો આંક ૯૧૭૪એ પહોંચ્યોઃ ગઇકાલે ૬૦ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા આજ દિન સુધીમાં ૮૫૩૬ લોકો સાજા થયાઃ રિકવરી રેટ ૯૩.૦૭ ટકા થયો

રાજકોટ તા.૧૧: શહેરમાં છેલ્લા સપ્તાહથી  કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૧૮ પોઝીટીવ કેસ આવ્યા છે. 

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૮ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૯૧૭૪  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૮૫૩૬ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૩.૦૭ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૧૭૪  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૭૯ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૩૧ ટકા થયો  હતો. જયારે ૬૦  દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  સાત  મહિનામાં એટલે કે એપ્રિલ થી આજ દિન સુધીમાં ૩,૭૭,૨૬૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૯૧૭૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૪૩  ટકા થયો છે.

નવા ૬ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે સદ્દગુરૂ ટાવર - વોકહાર્ટ હોસ્પિટલ સામે, શિવ આરધના સોસાયટી - કાલાવડ રોડ, અંબિકા પાર્ક- રૈયા રોડ, શ્રેયસ સોસાયટી-રેસકોર્સ રીંગ રોડ, વર્ધમાન નગર-પ, જયપ્રકાશ નગર- ભગવતી પરા સહિતનાં નવા ૬ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૩૫ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

૨૬ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૮ લોકોને તાવ-શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૨૬,૬૧૧ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૮ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે  વિવિધ વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૩૨૧  લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:12 pm IST)