Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

યુવકે સંબંધનો ઇન્કાર કરતા મહિલા દ્વારા હત્યાની સોપારી

મુંબઇ પોલીસે બેંક સહાયક પ્રબંધકની ધરપકડ કરી : એન્જિનિયરે તેની સાથે પ્રેમ સંબંધ રાખવાનો ઇન્કાર કરતા મહિલા સહાયક પ્રબંધકને આ વાત પર ખુબ ગુસ્સો આવ્યો

મુંબઈ,તા.૧૧: મુંબઈ પોલીસએ એક પ્રતિષ્ઠિત બેંકની સહાયક પ્રબંધકની ધરપકડ કરી છે. આ ધરપકડનું કારણ સાંભળીને તમે ચોંકી જશો. આ મહિલા સહાયક પ્રબંધકનો મુંબઈ મહાનગરપાલિકામાં કામ કરનારા એક સબ એન્જિનિયરની સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ જ્યારે એન્જિનિયરે તેની સાથે પ્રેમ સંબંધ રાખવાનો ઇક્નાર કર્યો તો મહિલા સહાયક પ્રબંધકને આ વાત પર ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે પોતાના કથિત પ્રેમીને મારી નાખવા માટે સોપારી આપી દીધી. મહિલા મુંબઈની એક પ્રતિષ્ઠિત બેંકમાં સહાયક પ્રબંધકના પદ પર કાર્યરત છે, જ્યારે જેને તેણે મારવાનો પ્લાન બનાવ્યો હતો તે બીએમસીમાં સબ-એન્જિનિયરના પદ પર કાર્યરત છે. આટલું જ નહીં, જે કોન્ટ્રાક્ટ કિલરે તેને મારવાની સોપારી લીધી હતી તે બીએસસી કેમીસ્ટ્રીનો સ્ટુડન્ટ છે. મહિલા સહાયક પ્રબંધક અને મહાનગરપાલિકા એન્જિનિયરની વચ્ચે પ્રેમ સંબંધ હતો. એન્જિનિયરે મહિલા સાથે પ્રેમ સંબંધ રાખવાનો ઇક્નાર કરી દીધો તો સહાયક મહિલા પ્રબંધકે ગુસ્સામાં તેને મારી નાખવાનો નિર્ણય કર્યો.

ઓડિશાના રહેવાસી બીએમસીના સ્ટુડન્ટ વિજય પ્રધાને આ સબ-એન્જિનિયરને મારવા માટે ૧ લાખ રૂપિયાની સોપારી લીધી અને ટ્રેનથી મુંબઈ આવ્યો. રવિવારે આરોપી સહાયક પ્રબંધક અને હત્યારાને મળવા અને આગળની યોજના બનાવવા માટે પહોંચ્યો હતો. પરંતુ પોલીસે બંનેને સમયસર પકડી લીધા અને નિગમના સબ-ઇન્સપેક્ટરનો જીવ બચાવ્યો. મુંબઈ પોલીસના એસીપી ભીમરાવ ઈંદલકરે જણાવ્યું કે પોલીસને પોતાના સૂત્રોથી જ્યારે આ પ્લાનિંગની જાણકારી મળી, તેઓએ સમય બગાડ્યા વગર ઘટનાસ્થળે પહોંચી અને પ્લાનને અંજામ આપતા પહેલા જ બંનેની ધરપકડ કરી લીધી. સૂચના મળતાં પોલીસ દ્વારા કરવામાં આવેલી તાત્કાલિક કાર્યવાહીથી એન્જિનિયરનો જીવ બચી ગયો, પરંતુ હવે પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગી છે. પોલીસ એવી પણ તપાસ કરી રહી છે કે મહિલાને સોપારી કિલરનો નંબર કોણે આપ્યો અને બંદૂક અને ગોળીઓ ક્યાંથી લીધી હતી.

(3:10 pm IST)