Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

સેનેટાઇઝર લગાવીને હાથમાં ફોડી શકાય તેવા ફટાકડા ફોડતા નહિ

આ વર્ષે દિવાળીના તહેવારોમાં વિશેષ કાળજીની જરૂર છે : સાવધાની સાથે સતર્કતા બચાવશે અકસ્માતથી : સેનેટાઇઝર કોરોનાથી બચાવી શકશે પણ ફટાકડાથી નહીં : સેનેટાઇઝરમાં ૭૦ થી ૯૦ ટકા આલ્કોહોલ હોય છે , જેથી દાઝી જવાની સંભાવના વધુ રહે

રાજકોટ,તા.૧૧ : આજથી દિવાળીના દિવસો શરૂ થઈ ગયા છે, નાના બાળકો માટે તો ફટાકડા ફોડવાનો તહેવાર. દિવાળી નજીક આવે એટ્લે બાળકો ૧૫ દિવસ અગાઉ જ ફટાકડા ફોડવાના શરૂ કરી દે છે. પણ, આ દિવાળીએ બીજી દિવાળી કરતાં થોડી વધુ સાવધાનીની જરૂર છે.

કોરોના સમયમાં કોરોના વાયરસથી બચવા લોકો સેનેટાઈઝરનો વિશેષ ઉપયોગ કરતાં થયાં છે પણ ફટાકડા ફોડતી વખતે સેનેટાઈઝર જોખમી પૂરવાર થઈ શકે છે.

કોરોના સામે તકેદારી માટે ઉપયોગમાં લેવાતા સેનેટાઈઝરમાં ૭૦થી ૯૦ ટકા આલ્કોહોલ હોય છે. હાથમાં લગાવવામાં આવતું સેનેટાઈઝર મિનિટો સુધી હાથ પર રહે છે. આલ્કોહોલ અગ્નિ ઝડપી લ્યે તેવું હોય છે આથી ફટાકડા ફોડતી વખતે સળગી ઉઠે છે.

આ સંજોગોમાં સેનેટાઈઝર લગાવ્યાં પછી આલ્કોહોલની અસર હાથ ઉપર લાંબો સમય સુધી રહે છે. સામાન્યતૅં બહાર નીકળતી વખતે લોકો વિશેષ પ્રમાણમાં સેનેટાઈઝર લગાવીને કોરોનાથી બચવાનો પ્રયાસ કરે છે. પણ, દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે સેનેટાઈઝર જોખમી પૂરવાર થઈ શકે છે.

દિવાળી દરમિયાન ખુલ્લામાં જઈને ફટાકડા ફોડતી વખતે સ્વાભાવિક રીતે જ લોકો સેનેટાઈઝર લગાવવાના છે. જો વધુ પ્રમાણમાં સેનેટાઈઝર લગાવેલું હોય અને ફટાકડાની આગની નજીક હાથ જાય તો દાઝી જવાની સંભાવના વિશેષ રહે છે. નિષ્ણાતો ઉમેરે છે કે, સેનેટાઈઝર આલ્કોહોલ બેઈઝડ હોય છે અને આલ્કોહોલ પૂરા પ્રમાણમાં ઉડી ન ગયો હોય તો આગ લગાવાનું જોખમ વધી જાય છે.

સેનેટાઈઝર લગાવીને તરત જ તારામંડળ, બપોરિયાં જેવા હાથમાં ફોડી શકાય તેવા ફટાકડા ફોડવાનું જોખમ કોઈ સંજોગોમાં લેવું હિતાવહ નથી. એ જ રીતે વધુ સેનેટાઈઝર લગાવ્યું હોય ને તરત જ દિવો પ્રગટાવવા દિવાસળી ચાંપવામાં આવે ને થોડી તકેદારી ન રખાય તો દાઝી જવાનો ભય રહે છે.બીજી તકેદારી દિવાળી દરમિયાન સેનેટાઈઝરની પ્લાસ્ટીક બોટલની સાચવણીની છે. અનેક વખત એવું બને છે કે, સેનેટાઈઝરની પ્લાસ્ટીક બોટલ મહિલાઓ ગમે ત્યાં મુકી દે છે.ખાસ કરીને દિવાળીના સમયગાળામાં દિવા કે ગેસ આસપાસ મુકી દે છે. અગ્નિ પ્રજવળતો હોય ને લાંબો સમય બોટલ રાખવી જોખમી થઈ શકે છે. તો, દિવાળીમાં મિણબત્ત્।ી પેટાવવામાં આવે છે તે વખતે પણ સેનેટાઈઝરનો ખ્યાલ રાખવો આવશ્યક છે. દિવાળીના તહેવારોમાં સાવચેતીનો નવો અધ્યાય સેનેટાઈઝરરૂપે આ વખતે ઉમેરવો આવશ્યક છે.

(3:09 pm IST)