Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

PM મોદી કાર્યકર્તાઓને કરશે સંબોધિત

જીત બાદ ભાજપ કાર્યાલયમાં સેલિબ્રેશનની તૈયારી

ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે જદયૂ નેતાઓની સાથે બેઠક કરશે અને પાર્ટીની કોર ટીમના નેતાઓ સાથે ચૂંટણીના પરિણામ : પછીની સ્થિતિ અંગે ચર્ચા કરશે

નવી દિલ્હી, તા.૧૧:બિહાર વિધાનસભામાં એનડીએની જીત બાદ નવી દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં સેલિબ્રેશનની તૈયારી થઈ રહી છે. મનાઈ રહ્યું છે કે આજે બુધવારે સાંજે ૬ વાગે પીએમ મોદી પણ સેલિબ્રેશનમાં ભાગ લેશે અને કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે અને એનડીએ ૧૨૫ સીટો પર જીતની સાથે સંપૂર્ણ બહુમતી મેળવવામાં સફળ રહી છે. જયારે મહાગઠબંધન ૧૧૦ સીટો પર સમેટાઈ હતી. એનડીએમાં ભાજપ નંબર ૧ પાર્ટી બની ગઈ છે અને તેને૭૪ સીટો પર જીત મેળવી છે.  જેડીયુને ૪૩ સીટો મળી છે.

જદયૂ બિહારમાં ભલે નાના ભાઈની ભૂમિકામાં આવી હોય પરંતુ સરકાર મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં બનવાની વાત થઈ રહી છે. જદયૂ ઓફિસની બહારના પોસ્ટર પણ બદલાઈ ગયા છે.

ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે જદયૂ નેતાઓની સાથે બેઠક કરશે અને પાર્ટીની કોર ટીમના નેતાઓ સાથે ચૂંટણીના પરિણામ પછીની સ્થિતિ અંગે ચર્ચા કરશે. આ ઉપરાંત બેઠકમાં સરકાર બનાવતા પહેલાની રણનીતિ પર વાતચીત કરશે. આ પહેલા તેમણે ભાજપના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી.

બિહારની ચૂંટણીમાં એક વાર ફરી મોદી મેજિક કામ કરી ગયું છે. ૧૫ વર્ષથી સતત બિહારમાં નીતિશ કુમારની સરકાર છે. ત્યારે જનતામાં સરકાર સામે થોડોક અણગમો હતો. જેને મોદી બ્રાન્ડે ખતમ કરી નાંખ્યો.

(3:08 pm IST)