Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ટ્રમ્પથી રિપબ્લીકન પાર્ટી અંતર બનાવી લે તો નવાઈ નહીં હોયઃ ઘટનાક્રમ અને ટ્રમ્પનું વલણ જવાબદાર

અમેરિકી વિકાસ માટે બીડન-હૈરીસે વિપક્ષનો સાથ રાખવો પડશેઃ રિપબ્લીકન મજબૂત બહુમતીવાળો વિરોધ પક્ષ બન્યો

ન્યુયોર્કઃ રિપબ્લીકન પાર્ટીને 'ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી' પણ કહેવામાં આવે છે. તે અમેરિકાની સૌથી જૂની રાજકીય પાર્ટી છે. દાસત્વ વિરોધી કાર્યકર્તાઓ દ્વારા સ્થાપીત આ પાર્ટી વર્તમાનમાં અમેરિકી આધુનિક ઉદારવાદના વિરૂદ્ધ ફરીયાદી વિચારને અનુગમન કરનાર બની ગઈ છે. આ પાર્ટીનો લાંબો અને ગૌરવપૂર્ણ ઈતિહાસ છે. લીંકન પણ આ પાર્ટીમાંથી જ આવ્યા હતા.

જો કે આ વખતે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લીકને લીંકનની વિચારધારાથી વિપરીત પોતાનુ ચૂંટણી અભિયાન ચલાવેલ. પરિણામ જોઈને કહેવું ખોટુ ન કહેવાય કે લીંકનની પાર્ટી ભલે ચૂંટણી હારી ગઈ હોય લીંકનની બધાને સાથે લઈને ચાલવાની વિચારધારાને અમેરિકી જનતાએ વિજયી બનાવી છે.

ડેમોક્રેટીક પાર્ટીના સત્તા મેળવ્યા બાદ આ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીનું ભવિષ્ય શું હશે તથા ડોનાલ્ડ ટ્રમ્પના ભાવિને પણ આ પરિણામો સાથે જોડીને કઈ રીતે જોઈ શકાય તે પણ જોવા જેવી વાત હશે. રાષ્ટ્રવાદ અને રંગભેદ રાજકારણને પ્રોત્સાહન દેવાના આરોપ બાદ પણ ટ્રમ્પને ભારે સંખ્યામાં મત મળ્યા તે પણ ધ્યાનમાં રાખવુ જરૂરી છે. ફકત રાષ્ટ્રપતિ ચૂંટણી નહી પણ સીનેટ અને હાઉસ ઓફ રિપ્રઝેટેન્ટીવની ચૂંટણીમાં રિપબ્લીકે બઢત મેળવી છે.

લીડ પણ એટલી મેળવી છે કે સદનની કાર્યવાહી ખોરવી શકે. આ વખતે રિપબ્લીકને ૭ કરોડથી વધુ મતો મેળવ્યા છે. ટ્રમ્પ કટ્ટર વિરોધી છે તો કટ્ટર સમર્થકોની પણ કમી નથી. બીડનને પણ અહેસાસ જરૂર હશે કે તેમને મજબુત વિપક્ષ મળ્યો છે. જેમણે સીનેટમાં બહુમત મેળવ્યો છે અને હાઉસ ઓફ કોંગ્રેસમાં પણ તેમની સ્થિતિ મજબુત છે. બીડન જાણે છે કે તેમણે અને હૈરીસે વિરોધ પક્ષનો ટેકો મેળવીને અમેરિકાનો વિકાસ કરવાનો છે.

બન્ને પક્ષો વચ્ચે ૪૦ લાખ મતોનું અંતર છે, જે ગત ચૂંટણીમાં હિલેરી વિરૂદ્ધ ૨૮ લાખનું હતુ. જનતાએ ટ્રમ્પને રાજકીયને બદલે ઉદ્યોગપતિની નજરે જોયા છે. એટલે જ તેમને આઉટ સાઈડર કહેવાયા છે. ૨૦૧૬માં લોકોએ એ આશાથી ટ્રમ્પને જીતાડેલ કે બિનરાજકીય વ્યકિત સિસ્ટમને બદલવાની વધુ ક્ષમતા રાખે છે પણ ટ્રમ્પ ખરા ઉતર્યા નહીં. મોટા ભાગના લોકો વ્હાઈટ હાઉસ બહાર ટ્રમ્પના ૪ વર્ષના કાર્યકાળથી એ હદે નારાજ હતા કે ટ્રમ્પની ધરપકડ કરવાની વાત કરી રહ્યા છે.

આ બધી ઘટના અને ટ્રમ્પના રવૈયાથી આશ્ચર્ય નહીં કે રિપબ્લીકન સમયની સાથે ટ્રમ્પથી દૂરી બનાવી લે. પાર્ટીના અસ્તિત્વને બચાવવા માટે અને પુનઃ પાયો મજબુત કરવા આ અહમ પગલુ હશે.

(12:40 pm IST)