Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

૨૩મીથી માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક-કોલેજોમાં શરૂ થશે શિક્ષણકાર્યઃ ગુજરાત સરકારનો નિર્ણય

ધો. ૯ થી ૧૨ અને કોલેજો શરૂ થશેઃ ધો. ૧ થી ૮ અંગે બાદમાં નિર્ણય લેવાશેઃ શિક્ષણકાર્યમાં ઓડ ઈવન ફોર્મ્યુલા લાગુ થશે : ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશેઃ શાળા-કોલેજોમાં હાજર રહેવુ વિદ્યાર્થી માટે ફરજીયાત નહિઃ શાળામાં કોવિડ-૧૯ના નિયમોનું પાલન કરવું પડશેઃ વાલીની લેખિત બાંહેધરી લેવી પડશેઃ વિદ્યાર્થીને ફોર્મ અપાશે

અમદાવાદ, તા. ૧૧ :. રાજ્યમાં ૨૩મી નવેમ્બર પછી એટલે કે દિવાળી પછી માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક અને કોલેજોમાં શિક્ષણકાર્ય શરૂ કરવાનો ગુજરાત સરકારે આજે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં ધો. ૯ થી ૧૨ અને કોલેજોમાં શિક્ષણકાર્ય શરૂ થશે. જો કે આ માટે કેન્દ્રની ગાઈડ લાઈન્સનું પાલન કરવાનુ રહેશે. સરકારે લીધેલા નિર્ણય અનુસાર ઓનલાઈન શિક્ષણકાર્ય પણ ચાલુ જ રહેશે. શાળા-કોલેજોમાં હાજરી આપવાનું વિદ્યાર્થીઓ માટે ફરજીયાત નહિ રહે. હાજર રહેવા માટે વાલીની પરવાનગી લેવાની રહેશે. સરકાર ધો. ૧ થી ૮ અંગે બાદમાં નિર્ણય લેશેે. આ માટે તબક્કાવાર સમીક્ષા કરવામાં આવશે.

ગુજરાત સરકારે લીધેલા નિર્ણય અનુસાર ૨૩મી નવેમ્બરથી ધો. ૯ થી ૧૨ અને કોલેજોના વર્ગ શરૂ કરવામાં આવશે. જો કે કોવિડ-૧૯ની તમામ માર્ગદર્શિકાઓની પાલન કરવામાં આવશે. સ્કૂલોમાં રોજેરોજ શિક્ષકો-વિદ્યાર્થીઓનુ થર્મલ ગનથી તાપમાન આપવામાં આવશે, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવશે.

સરકારે લીધેલા નિર્ણય અનુસાર સ્કૂલે આવવુ વિદ્યાર્થીઓ માટે ફરજીયાત નહિ હોય. સ્કૂલો શરૂ થાય ત્યારે આચાર્યે પણ તકેદારી રાખવાની રહેશે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી એસઓપીનું શાળા-કોલેજોએ પાલન કરવાનું રહેશે. આજે કેબીનેટની બેેઠક બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ માહિતી આપી હતી અને કહ્યુ હતુ કે શાળામાં હાજરી આપવા માટે દરેક વાલીની લેખીતમાં પરવાનગી લેવામાં આવશે. કોલેજ અને યુનિવર્સિટીની વાત કરીએ તો અનુસ્નાતક કક્ષાના વર્ગો પણ શરૂ થશે. આ ઉપરાંત મેડીકલ અને પેરામેડીકલના વર્ગો પણ શરૂ થશે. આઈટીઆઈ અને પોલીટેકનિકના વર્ગો પણ શરૂ થશે.

શિક્ષણ મંત્રીએ જણાવ્યુ હતુ કે સ્કૂલોએ ઓડ ઈવન ફોર્મ્યુલા લાગુ કરવાની રહેશે. આ માટે ૧ દિવસ ૧ ધોરણના અને બીજા દિવસે બીજા ધોરણના વિદ્યાર્થીઓને બોલાવી શકશે. નિયમો શાળાએ ઘડવાના રહેશે. સ્કૂલમાં હાજરી આપવા માટે વિદ્યાર્થીને ફરજ નહિ પડાય. ઓનલાઈન અભ્યાસ પણ ચાલુ રહેશે. વિદ્યાર્થી માટે બન્ને વિકલ્પ રહેશે.

અત્રે નોંધનીય છે કે રાજ્યમાં માર્ચ મહિનાથી સ્કૂલો બંધ કરવામાં આવી છે. હવે સ્કૂલો ૨૩મીથી શરૂ થશે. આ માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું તાપમાન ચેક કરાશે. વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં સાબુથી હાથ ધોવાની વ્યવસ્થા ઉભી કરવાની રહેશે. ધો. ૯ થી ૧૨ના વર્ગો શરૂ થયા બાદ ધો. ૧ થી ૮ અંગે નિર્ણય લેવાશે.

સ્કૂલમાં હાજર રહેવા બાબતે વિદ્યાર્થીએ એક ફોર્મ ભરવાનુ રહેશે. જેમાં વાલીની સહી લેવાની રહેશે.

(2:57 pm IST)