Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

શિવસેનાના કારણે નીતીશકુમારને ઓછી બેઠકો મળી છતાં મુખ્યમંત્રી બનાવવા ફરજ પડી :સામનામાં દાવો

શિવસેનાએ ભાજપને એવો પાઠ ભણાવ્યો છે કે નીતિશ કુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા સિવાય છૂટકો નથી.

મુંબઈ : બિહારમાં નીતિશ કુમાર ફરી વાર મુખ્ય પ્રધાન બને તો એનેા યશ અમને છે એવો દાવો શિવસેનાએ કર્યો હતો.પોતાના મુખપત્ર સામનાના  સંપાદકીયમાં શિવસેનાએ એવો દાવો કર્યો હતો કે નીતિશ કુમારના પક્ષને બિહારમાં સૌથી વધુ બેઠકો મળી નથી. પરંતુ કેન્દ્રના ગૃહ પ્રધાન શાહે એવી જાહેરાત કરવી પડી હતી કે નીતિશ કુમારના પક્ષને વધુ બેઠકો નહીં મળે તો પણ મુખ્ય પ્રધાન તો નીતિશ કુમારજ બનશે.

આવું જ વચન શાહે 2019ની મહારાષ્ટ્ર વિધાનસભાન ચૂંટણી વખતે શિવસેનાને આપ્યું હતું. શિવસેનાને સૌથી વધુ બેઠકો મળવા છતાં ભાજપે એને સાથ ન આપ્યો ઊલટું પીઠમાં છરી ભોંકવા જેવું વર્તન કર્યું. શિવસેનાએ પોતાની સરકાર બનાવીને ભાજપને થપ્પડ મારી. હવે બિહારમાં પણ એવું જ થયું છે. જદયુ અને નીતિશ કુમારને સૌથી વધુ બેઠકો મળી નથી. આમ છતાં ભાજપે બિહારમાં સરકાર રચવી હોય તો નીતિશ કુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા વિના છૂટકો નથી. રાજદ કે કોંગ્રેસ ભાજપને સાથ નહીં આપે. નીતિશ કુમારને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે છે કે નહીં એ હકીકત થોડા કલાકોમાં સ્પષ્ટ થઇ જશે. શિવસેનાએ ભાજપને એવો પાઠ ભણાવ્યો છે કે નીતિશ કુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા સિવાય છૂટકો નથી.

ઓછી બેઠકો મેળવવા છતાં નીતિશ કુમાર મુખ્ય પ્રધાન બને તો એનો યશ શિવસેનાને મળશે કારણ કે શિવસેનાએ ભાજપને પાઠ ભણાવ્યો હતો. આપેલા વચનનું પાલન ન કરો તો શું થઇ શકે એ ભાજપને શિવસેનાએ પોતાની સરકાર રચીને સમજાવ્યું હતું.

(11:15 am IST)