Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ભારતમાં કોરોનાના કુલ કેસ ૮૬ લાખ ઉપર

૨૪ કલાકમાં ૪૪૨૮૧ કેસઃ ૫૧૨નાં મોતઃ એકટીવ કેસની સંખ્યા ૫ લાખની અંદરઃ ૮૦,૧૩,૭૮૩ રીકવર થયા

નવી દિલ્હી, તા.૧૧: કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ભારતમાં ૮૬ લાખને પાર થઈ ગઈ છે. ભલે કોવિડ-૧૯ના નવા કેસોની સંખ્યા દ્યટી ગઈ છે પરંતુ મૃત્યુઆંક રોજનો ૫૦૦થી ઉપર રહે છે. સારી બાબત એ છે કે હાલ એકિટવ કેસો પણ ૫ લાખથી ઓછા થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૨૮૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૧૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૮૬,૩૬,૦૧૨ થઈ ગઈ છે

 નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૮૦ લાખ ૧૩ હજાર ૭૮૪ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૪,૯૪,૬૫૭ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૭,૫૭૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

 વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૦ નવેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૨,૦૭,૬૯,૧૫૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના ૨૪ કલાકમાં ૧૧,૫૩,૨૯૪ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 ગુજરાતની વાત કરીએ તો રાજયમાં કોરોના વાયરસના ૧૦૪૯ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જયારે ૮૭૯ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજયના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના ૫ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજયમાં પોઝિટિવ કેસનો આંક ૧,૮૨, ૭૧૯ એ પહોંચી ગયો છે.

(11:11 am IST)