Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ફેબ્રુઆરી બાદ પહેલીવાર જીએસટી કલેક્શન એક લાખ કરોડને પાર પહોંચ્યું

ઑક્ટોબરમાં ગ્રોસ GST રેવન્યૂ કલેક્શન રૂ.1,05,155 કરોડ નોંધાયું

નવી દિલ્હી : કોરોના મહામારીને લીધે ભારત સહિત વિશ્વભરના  દેશના અર્થતંત્ર ઉપર પ્રતિકૂળ અસર પડી છે. લૉકડાઉનના લીધે ઉદ્યોગ-ધંધાઓ બંધ હોવાથી  આવક ન થતા સરકારી મહેસૂલમાં  ઘટાડો નોંધાયો હતો. જોકે કોરોનાકાળમાં અર્થતંત્ર સંબંધિત એક સકારાત્મક સંકેત જોવા મળ્યો છે. ઑક્ટોબર મહિનામાં GST કલેક્શન રૂ.1.05 લાખ કરોડને પાર ગયુ છે.

ફેબ્રુઆરી 2020 બાદ ઓક્ટોબરમાં GST કલેક્શનમાં રૂ.1 લાખ કરોડનો આંકડો પાર કર્યો છે. નાણા મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ઑક્ટોબર 2020માં જીએસટી કલેકશન ગત વર્ષ ઓક્ટોબરમાં રૂ.95,379 કરોડ હતું. આમ વાર્ષિક ધોરણે પણ કલેક્શનમાં 10 ટકાનો વધારો નોંધાયો છે.

ઑક્ટોબરમાં ગ્રોસ GST રેવન્યૂ કલેક્શન રૂ.1,05,155 કરોડ રહ્યું છે. તેમાં રૂ.19,193 કરોડ CGST રૂ.5,411 કરોડનું SGST, રૂ.52,540 કરોડનું IGST (સામાનના ઈમ્પોર્ટ પર હાંસલ થયેલ 23,375 કરોડ રૂપિયા સહિત) અને રૂ.8,011 કરોડનું સેસ (સામાનના ઈમ્પોર્ટ પર હાંસલ થયેલ 932 કરોડ રુપિયા સહિત) સામેલ છે.

31 ઓક્ટોબર 2020 સુધી ભરાયેલ GSTR-3B રિટર્ન્સની કુલ સંખ્યા 80 લાખ નોંધાઈ છે. કોરોના મહામારીને રોકવા માટે લગાવેલ લોકડાઉનને કારણે આર્થિક ગતિવિધિઓને મોટો ફટકો પડ્યો હતો.

(10:58 am IST)