Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

પહેલા પોતે હાર્યાઃ પછી પત્ની અને હવે પુત્ર

શત્રુધ્નસિંહાના વળતા પાણી : પરિવારના ૩ સભ્યો બે વર્ષમાં ૩ બેઠક પર હાર્યા

પટણા,તા.૧૧: શું શત્રુધ્ન સિંહાની રાજકીય સફરનો અંત આવી ગયો છે? આ સવાલ આજે એટલા માટે મહત્વનો બની ગયો છે કે, ભાજપ સામે બંડ પોકાર્યા બાદ તેમની શાખ સતત ઘટતી રહી છે. તેમના પુત્ર લવ સિંહા કોંગ્રેસની ટિકિટ પર આ ચૂંટણીમાં બાંકીપુર બેઠકથી મેદાનમાં ઊભા હતા. તેમને ભાજપના ઉમેદવારના હાથે હારનો સામનો કરવો પડ્યો છે.

ભાજપ તરફથી નીતિન નવીન મેદાનમાં ઊભા હતા. તેમને ૬૫.૦૧ મત મળ્યા છે. બીજા નંબરે કોંગ્રેસ તરફથી લવ સિંહા રહ્યા, જેમને માત્ર ૨૫.૪૪ ટકા મત મળ્યા. ત્રીજા નંબરે પુષ્પમ પ્રિયા રહ્યાં. તેઓ આ ચૂંટણીમાં ઘણા ચર્ચામાં રહ્યા હતા. બાંકીપુર વિધાનસભા સીટ મગધ ક્ષેત્રમાં આવે છે. મગધ ક્ષેત્રમાં વિધાનસભાની ૨૬ બેઠકો છે. અહીં પાંચ જિલ્લા છે, જયાં આ ચૂંટણીમાં મહાગઠબંધનનો દબદબો દેખાઈ રહ્યો છે. જોકે, કોંગ્રેસના લવ સિંહાને હાર મળી છે.

ભાજપ સામે બંડ પોકાર્યા બાદ શત્રુધ્ન સિંહાના પત્ની પૂનમ સિંહા ૨૦૧૯ના લોકસભા ચૂંટણીમાં રાજનાથ સિંહ સામે મેદાનમાં ઊભા રહ્યા હતાં. જોકે, આ ચૂંટણીમાં તેમને ૩ લાખ કરતા વધુ મતથી હાર મળી હતી, તેમ છતાં તેઓ બીજા નંબરે રહ્યા હતાં. પૂનમ સિંહા લખનૌ લોકસભા બેઠકથી સપાની ટિકિટ પર મેદાનમાં ઊભા રહ્યા હતાં.

૨૦૧૯ના લોકસભા ચૂંટણીમાં શત્રુધ્ન સિંહા ભાજપ સામે બળવો પોકારી પોતાની પરંપરાગત બેઠક પટના સાહિબથી કોંગ્રેસની ટિકિટ પર મેદાનમાં ઊભા રહ્યા હતા. ભાજપે તેમની સામે રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતાર્યા હતા. લોકસભા ચૂંટણીમાં પટના સાહિબની જનતાએ સ્પષ્ટ કરી દીધું હતું કે, શત્રુધ્ન સિંહા રાજકીય સ્ટાર ભાજપ અને મોદીના કારણે છે. શત્રુધ્ન સિંહા લગભગ ૩ દાયકા સુધી ભાજપની સાથે જોડાયેલા રહ્યા.

(10:10 am IST)