Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ભારતીય સેના જટિલ-અનિશ્ચિત માહોલમાં કામગીરી કરે છે : સીડીએસ જનરલ બિપિન રાવત

ભારતશક્તિ ડોટ ઇનના સંમેલનના સત્રને સંબોધન : સીડીએસ જનરલ બિપિન રાવતના અભિપ્રાયે દેશનું સૈન્ય બળ મજબૂત ન હોય તો દુશ્મનો તેનો લાભ ઊઠાવી શકે છે

નવી દિલ્હી, તા. ૧૦ : સીડીએસ જનરલ બિપિન રાવતે મંગળવારે કહ્યું કે, ભારતીય સેના ખૂબ જ જટિલ અને અનિશ્વિત માહોલમાં કામ કરી રહી છે અને તેણે ક્ષેત્રમાં શાંતિ માટે ક્ષમતા વધારવી પડશે. સેન્ય બળ મજબૂત નહીં હોય તો ભારતના દુશ્મનો તેનો ફાયદો ઉઠાવી શકે છે.

ભારતશક્તિ ડોટ ઇનના પાંચમા વાર્ષિક સંમેલનના સત્રને સંબોધિત કરતાં સીડીએસ બિપિન રાવતે જણાવ્યું કે, વિશ્વના લગભગ દરેક હિસ્સામાં નાની મોટી જંગ ચાલી રહી છે. આથી આપણે જાતે જ આપણી રક્ષા કરવાની છે. આપણા દેશની, દેશની અખંડતા અને દેશવાસીઓની રક્ષા કરવા માટે મજબૂત સેન્ય બળની જરુર છે. તેમણે જણાવ્યું કે મજબૂત સેના બળનો અર્થ એ નથી કે ભારત કોઇ યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. ક્ષેત્રમાં શાંતિ કાયમ રાખવા માટે સેન્ય ક્ષમતા વધારવી જરુરી છે. પોતાના સંબોધનમાં તેમણે જંગલો, ખીણો અને ૬૦૦૦થી ૬૫૦૦ મીટરની ઉંચાઇવાળા પર્વતીય વિસ્તારોના જટિલ માહોલમાં સેના દ્વારા સામનો કરતા પડકારોનું વર્ણન કર્યું હતું. જનરલ રાવતે કહ્યું કે, આપણી નેવી હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ફરજ ભજાવી રહી છે જ્યાંથી જહાજોની સૌથી વધુ અવર-જવર થાય છે. નેવીએ સમુદ્દમાં જ નહીં, તેની અંદર પણ કામ કરવાની સાથે ઝડપથી ઉભી થઇ રહેલી પરિસ્થિતિઓ વચ્ચે ટેકનોલોજી વિકસિત કરવાની જરુર છે.  જનરલ રાવતનું આ નિવેદન ભારત-ચીનના વધી રહેલા વિવાદ માટે મહત્વનું ગણવામાં આવી રહ્યું છે. કારણ કે વધી રહેલા વિવાદના ઉકેલ માટે રાજનૈતિક અને સૈન્ય વાતચીતનો દૌર ચાલી રહ્યો છે, પરંતુ કોઇ ખાસ પરિણામ નજર નથી આવી રહ્યું. આ સાથે જનરલ બિપિન રાવતે વિદેશી ભાગીદારીઓને આમંત્રિત કરવાથી સંકોચ કરવાની વાત પર પણ જોર આપ્યું હતું. તેમના મુજબ વિદેશી ભાગીદારી દેશના ઉદ્યોગોને મદદ કરી શકે છે અને તેમને આગળ વધારી શકે છે. આપણે વિશ્વના અન્ય સેન્ય બળ, ખાસ કરીને પડોસી દેશો સાથે ક્ષમતાનું આદાન-પ્રદાન કરી શકીએ છીએ.

(12:00 am IST)