Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

મહારાષ્ટ્રમાં નવી સરકારને લઇને સસ્પેન્સ વધુ ઘેરૂ : ચર્ચાઓનો દોર

શિવસેના બાદ એનસીપીને રાજ્યપાલ દ્વારા આમંત્રણ : રાત્રે બેઠક : શિવસેના દ્વારા સરકાર બનાવવાને લઇને વધુ જટિલ સમસ્યા : કોંગી સભ્યો શિવસેનાને સાથ આપવાને લઇને અસમંજસમાં : ૧૮માં દિવસે પણ મડાગાંઠ

મુંબઈ, તા. ૧૧ : મહારાષ્ટ્રમાં નવી સરકારને લઇને સસ્પેન્સ વધુ ઘેરુ બની ગયું છે. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાના સભ્યો આજે સાંજે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યા હતા પરંતુ સરકાર બનાવવાનો દાવો કરી શક્યા ન હતા. શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ઇચ્છા ચોક્કસપણે કરી હતી. શિવસેનાએ બે દિવસનો સમય માંગ્યો હતો પરંતુ રાજ્યપાલે બે દિવસનો સમય આપવાનો ઇન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં રાજકીય સંકટની સ્થિતિ અકબંધ રહી છે. બીજી બાજુ કોંગ્રેસ અને એનસીપીની બેઠકોનો દોર જારી રહ્યો હતો. રાજ્યમાં ચૂંટણીમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી તરીકે હોવાથી એનસીપીને રાજ્યપાલે આમંત્રણ આપ્યું હતું. ૨૪ કલાકનો સમય હવે એનસીપીને આપવામાં આવ્યો છે તેના માટે પણ સરકારની રચના કરવાની બાબત સરળ દેખાઈ રહી નથી. બેઠકોનો દોર આજે પણ જારી રહ્યો હતો. કોંગ્રેસની ભૂમિકા હવે સૌથી નિર્ણાયક બની શકે છે.

                મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોઇપણ પાર્ટીને બહુમત ન મળતા જટિલ સ્થિતિ સર્જાઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હોવા છતાં સરકાર બનાવી શકી નથી. ભાજપ અને શિવસેના સાથે મળીને વિધાનસભાની ચૂંટણીમાં ઉતર્યા હતા અને આ ગઠબંધનને મતદારોએ બહુમતિ પણ આપી હતી પરંતુ મુખ્યમંત્રીના મુદ્દા પર ખેંચતાણ વચ્ચે બંને પાર્ટીઓ અલગ થઇ ગઇ છે. આવી સ્થિતિમાં હવે જટિલ સ્થિતિ સર્જાઈ ગઈ છે. વિધાનસભા ચૂંટણીના ૧૮ દિવસ થયા હોવા છતાં હજુ મડાગાંઠ અકબંધ રહી છે. આજે દિવસ દરમિયાન બેઠકોનો દોર ચાલ્યો હતો. આદિત્ય ઠાકરેએ રાજ્યપાલને મળ્યા બાદ કહ્યું હતું કે, સરકાર બનાવવાની ઇચ્છા અમે વ્યક્ત કરી છે. કોંગ્રેસ અને એનસીપી સાથે વાતચીત ચાલી રહી છે. રાજ્યપાલે અમને સમય આપવાનો ઇન્કાર કરી દીધો છે. ઠાકરેએ કહ્યું છે કે, બંને પાર્ટીઓ સાથે વાતચીત ચાલી રહી છે. શિવસેના નેતા અને રાજ્યપાલ વચ્ચે ૪૦ મિનિટ સુધી વાતચીત થઇ હતી. રાજ્યપાલને મળ્યા બાદ આદિત્યએ કહ્યું હતું કે, ભાજપ દ્વારા સરકાર બનાવવાનો ઇન્કાર કર્યા બાદ રાજ્યપાલ તરફથી અમારી પાસે પત્ર આવ્યો હતો. આ લેટરમાં ૨૪ કલાકની અંદર સરકાર બનાવવાની ઇચ્છા અંગે વાત કરવામાં આવી હતી.

               આજે અમારી ઇચ્છા અંગે વાત કરવામાં આવી હતી. ઠાકરેએ કહ્યું હતું કે, એનસીપી અને કોંગ્રેસ સાથે વાતચીત ચાલી રહી છે. બીજી બાજુ કોંગ્રેસે કહ્યું છે કે, હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. વાતચીતનો દોર જારી છે. શિવસેનાને સમર્થનને લઇને કોંગ્રેસ પાર્ટીમાં પણ ભારે અસમંજસની સ્થિતિ રહેલી છે. કોંગ્રેસ કારોબારીની આજે બેઠક થઇ હતી જેમાં મહારાષ્ટ્રની સ્થિતિ પર ચર્ચા થઇ હતી. એનસીપી સાથે વાતચીત કર્યા બાદ જ કોંગ્રેસ કોઇ નિર્ણય લેશે. કોંગ્રેસી નેતાઓનું કહેવું છે કે, મંગળવારના દિવસે પાર્ટીના નેતા એનસીપીના નેતા એનસીપી સાથે બેઠક કરશે જેમાં કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે. બીજી બાજુ સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રના ધારાસભ્યની ઇચ્છા જાણવાના પ્રયાસ કર્યા છે. કોંગ્રેસે જયપુરના રિસોર્ટમાં રોકાયેલા ૪૪ ધારાસભ્યો સાથે પણ વાતચીત કરી છે. તમામ ધારાસભ્યોએ શિવસેનાને સાથ આપવાની વાત કરી હતી પરંતુ ભારે દુવિધાભરી સ્થિતિ દેખાઈ રહી છે. કેટલાક કોંગ્રેસી ધારાસભ્યો કહી રહ્યા છે કે, સ્થાયી સરકાર આપવા માટે કોંગ્રેસને બહારથી સમર્થન આપવાના બદલે સરકારમાં સામેલ થવું જોઇએ.

(9:18 pm IST)