Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટેની ટ્રસ્ટની રચનાની પ્રક્રિયા શરુ

ટ્રસ્ટનું નોડલ એકમ ગૃહમંત્રાલય કે સંસ્કૃતિ મંત્રાલયમાંથી કોઈ એક હશે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અયોધ્યા રામ જન્મભુમિ વિવાદ કેસમાં આપેલા ચૂકાદા અનુસાર મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચનાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કેટલાક અધિકારીઓની ટીમ કોર્ટે આપેલા ચૂકાદાનો વિસ્તૃત અભ્યસ કરી રહ્યા છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.

  ટ્રસ્ટની રચના માટે કાયદા મંત્રાલય અને એટોરની જનરલની સલાહ લેવામાં આવશે. આ ટ્રસ્ટ રામ મંદિર નિર્માણની રૂપરેખા તૈયાર કરશે. એક અધિકારીએ જણાવ્યું કે, સર્વોચ્ચ અદાલતના ચૂકાદાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે તેમને જણાવાયું છે, જેથી કોર્ટની સુચના મુજબ જ ટ્રસ્ટની રચના કરવામાં આવે. તેમણે કહ્યું કે, આ અંગે અત્યારે ચર્ચા-વિચારણા ચાલી રહી છે, કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

  એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, અત્યારે એ સ્પષ્ટ નથી કે અયોધ્યામાં રામ મંદિર માટે ટ્રસ્ટનું નોડલ એકમ ગૃહમંત્રાલય કે સંસ્કૃતિ મંત્રાલયમાંથી કોઈ એક હશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બંધારણિય બેન્ચે 9 નવેમ્બરના રોજ આપેલા ઐતિહાસિક ચૂકાદામાં અયોધ્યામાં 2.77 એકર વિવાદિત જમીન પર રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. આ સાથે જ બેન્ચે મસ્જિદ બનાવવા માટે સુન્ની વકફ બોર્ડને અલગથી 5 એકર જમીન આપવા પણ આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આપેલા 1045 પાનાનાં ચૂકાદામાં જણાવ્યું હતું કે, "કેન્દ્ર સરકાર આ ચૂકાદાની તારીખથી ત્રણ મહિનાના અંદર અયોધ્યામાં કેટલાક વિસ્તારોમાં અધિગ્રહણ સંબંધિત અધિનિયમ, 1993 અંતર્ગત એક યોજના બનાવશે. આ યોજનામાં એક ટ્રસ્ટની રચનાનો વિચાર પણ સામેલ હશે, જેમાં એક ન્યાસી બોર્ડ કે અન્ય કોઈ ઉચિત એકમ હશે.

(8:43 pm IST)