Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ઉત્તરપ્રદેશના ઝાંસીમાં હૈયુ હચમચાવી નાખે તેવી દુર્ઘટનાઃ પિતાની બેદરકારીથી પ વર્ષની માસુમ પુત્રી ઉકળતા તેલની કડાઇ સાથે અથડાતા પિતા-પુત્રી બંને સારવારમાં

ઝાંસી: ઉત્તર પ્રદેશના ઝાંસીનો એક હચમચાવી નાખે તેવો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક પિતાની બેદરકારીથી 5 વર્ષની માસૂમ બાળકી અને ખૂદ પિતાનો જીવ મુશ્કેલીમાં મૂકાઈ ગયો. વાઈરલ વીડિયો ઝાંસીના સીપરી વિસ્તારનો છે. જ્યાં એક યુવક તેની પાંચ વર્ષની બાળકી સાથે એક દુકાનની બહાર ઊભો હતો. અચાનક તેની સ્કૂટી ઝડપથી આગળ વધી અને દુકાનમાં બહાર રહેલા ઉકળતા તેલની કડાઈ સાથે ટકરાઈ. સ્કૂટી ટકરાતા ઉકળતું તેલ છોકરીના શરીર પર અને યુવકના હાથે પગે પડ્યું. બંને ગંભીર રીતે ઘાયલ થયા હતાં.

             ઘટના બાદ સ્થાનિક લોકોએ બંનેને ઉઠાવ્યાં અને તરત હોસ્પિટલ પહોંચ્યા હતાં. જ્યાં બંનેની સારવાર ચાલુ છે. મળતી માહિતી મુજબ હાલ બંને આઉટ ઓફ ડેન્જર છે. પરંતુ બાળકી ખુબ દાઝી ગઈ છે. ઘટનાનો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે ઘટનામાં દુકાન પર કામ કરતો એક વ્યક્તિ પણ થોડો ઘણો દાઝી ગયો છે. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ હતી.

            વીડિયોમાં એક દુકાનની સામે સ્કૂટી પર સવાર એક યુવક અને એક  બાળકીને જોઈ શકાય છે. અચાનક બાળકી ચાવી લગાવીને સ્કૂટી શરૂ કરી દે છે અને એક્સીલેટર આપે છે. જેના કારણે સ્કૂટી ઝડપથી દોડીને આગળ વધે છે અને બેકાબુ થઈ દુકાનની બહાર રાખેલા ગરમ તેલની કડાઈ સાથે ટકરાય છે. સમગ્ર ઘટનામાં સ્કૂટી પર સવાર બંને (પિતા અને પુત્રી) દાઝી જાય છે. આસપાસના લોકો તથા દુકાનના કર્મચારી તરત બંનેને બચાવવાની કોશિશમાં લાગી જાય છે.

(4:58 pm IST)