Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

વરરાજાને નાગીન ડાન્સ કરવો ભારે પડ્યો, દુલ્હનને એવો તો ગુસ્સો ચઢ્યો કે આપી દીધા તલાક

બરેલી, તા.૧૧: લગ્નોમાં નાગીન ડાન્સ કરવામાં દ્યણા લોકો કેવા ઉત્સાહમાં આવી જતાં હોય છે તેનાથી તમે પણ સારી રીતે વાકેફ હશો. જોકે, યુપીમાં તો એક વરરાજાને પોતાના જ લગ્નમાં નાગીન ડાન્સ કરવો ભારે પડ્યો છે. ઘટના કંઈક એવી છે કે, જાન લઈને આવી પહોંચેલો વરરાજા નાચવામાં એવો મશગુલ થઈ ગયો હતો કે કન્યા પક્ષના લોકોએ તેને ડાન્સ બંધ કરવા રીતસરની આજીજી કરવી પડી હતી.

ડાન્સ પર જ બબાલ થઈ જતાં બંને પક્ષો વચ્ચે ચકમક ઝરી હતી. કન્યા પક્ષના લોકોએ વરરાજાને ડાન્સ કરવાનું બંધ કરવા માટે કહેતા જ વરરાજાનો પિત્તો ગયો હતો અને તેણે કન્યા પક્ષના લોકો સાથે ગાળાગાળી શરુ કરી દીધી હતી. જોકે, ગમે તેમ કરી વડીલોએ વચ્ચે પડીને આખોય મામલો થાળે પાડ્યો અને લગ્નવિધિ આગળ ચાલી હતી. વર અને વધૂએ એકબીજાના ગળામાં વરમાળા પહેરાવી દીધી હતી, અને વરરાજાને ફરી ડાન્સ કરવાની ચાનક ચઢી હતી.

વધૂએ વરરાજાને માળા પહેરાવી તે સાથે જ મોજીલો વરરાજા પાછો દોસ્તો સાથે ડાન્સ કરવા પહોંચી ગયો હતો. આ વખતે તો તે પાગલની જેમ નાગીન ડાન્સ કરવા લાગ્યો હતો અને જમીન પર આળોટવા લાગ્યો હતો. જોકે, વરરાજાનું આવું વર્તન તેની દુલ્હનને જરાય પસંદ નહોતું પડ્યું. તેણે ત્યાં જ બબાલ કરી નાખી, અને લગ્નમંડપ છોડીને જતી રહી.

દુલ્હનના આકરા તેવર જોઈને વરરાજાની ફેમિલીએ દુલ્હનને સમજાવવાનું શરુ કર્યું હતું. જોકે, હવે દુલ્હન એકની બે થવા તૈયાર નહોતી. તેણે લગ્ન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેતાં વરરાજાની હાલત કાપો તો પણ લોહી ન નીકળે તેવી થઈ ગઈ હતી. આખરે સમજાવટના કોઈ પ્રયાસ કામે ના લાગતા વરરાજાને પાછો ગુસ્સો ચઢ્યો હતો અને તેણે દુલ્હનને એક લાફો ચોડી દીધો હતો. આ ઘટના બાદ વરરાજા કોઈ મોટી બબાલ થાય તે પહેલા જ કન્યા વગર જાન લઈને વિદાય થઈ ગયા હતા.

(3:53 pm IST)