Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ડેબિટકાર્ડથી રાતના ૧૧થી ૧ની વચ્ચે વધુ સાયબર ક્રાઈમ

૧૨ વાગ્યા પછી બીજો દિવસ શરૂ થતાં ડેબિટ કાર્ડમાંથી પૈસા ઉપાડવાની લિમીટ વધી જાય છે

નવી દિલ્હી, તા. ૧૧ :. જો તમે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા હો તો રાત્રે ૧૧થી ૧ની વચ્ચે સાવધાન થઈ જાવ, કેમ કે આ દરમિયાન સાયબર ઠગ વધુ સક્રિય રહે છે. તેનું કારણ એ છે કે રાત્રે ૧૨ વાગ્યા બાદ બીજો દિવસ શરૂ થવાથી ડેબિટ કાર્ડમાંથી રકમ કાઢવાની લિમીટ વધી જાય છે. આ ઉપરાંત રાત્રે પૈસા નિકળતા મોબાઈલ પર જે મેસેજ આવે છે તેની પર પણ ગ્રાહક ધ્યાન આપી શકતા નથી. મોટા ભાગે સાઇબર ક્રાઇમ કરનારા વધુમાં વધુ પૈસા કાઢવા માટે આ સમયની પસંદગી કરે છે.

સાઇબર ઠગ કાર્ડ કલોનિંગ કરવા માટે એટીએમના હોલ્ડરમાં સ્કીમર અને ગુપ્ત કેમેરા લગાવે છે. કેમેરા ખૂબ જ નાના હોય છે, જ્યારે ગ્રાહક પોતાના ડેબિટ કાર્ડ એટીએમ હોલ્ડરમાં લગાવે છે તો સ્કીમરમાં તેનો ડેટા સ્કેન થઇ જાય છે. ગુપ્ત કેમેરામાં કાર્ડનો પિન નંબર સ્કેન થાય છે. ત્યાર બાદ ઠગ સ્કીમર અને કેમેરા કાઢીને લઇ જાય છે. આ ઉપરાંત એટીએમ બૂથમાં ડેબિટ કાર્ડ બદલનાર ઠગ સક્રિય થાય છે. મદદ કરવાનાં બહાને કાર્ડ બદલી લે છે. બેન્કે ડેબિટ કાર્ડથી રકમ કાઢવાની લિમિટ નક્કી કરી છે.

ઠગનું લક્ષ્ય વધુમાં વધુ રકમ કાઢવાનો હોય છે. જો તેઓ દિવસે આ રકમ લે છે તો પીડિત વ્યકિતના ફોન પર મેસેજ આવે છે અને તે પોતાનું કાર્ડ બ્લોક કરાવી લે છે. આ રીતે તે માત્ર એક જ વાર પૈસા કાઢી શકે છે. આ સંજોગોમાં સાઇબર ઠગ ૧૨ વાગ્યાની રાહ જુએ છે. ૧૨ વાગ્યાની થોડી મિનિટો પહેલા પૈસા કાઢે છે. બીજો દિવસ શરૂ થતાં ૧૨ વાગ્યા બાદ પૈસા કાઢવાની લિમિટ વધી જાય છે અને પછી ફરી પૈસા કાઢી લે છે. જયારે સવારે તે વ્યકિત ઊઠે છે ત્યારે મેસેજ જોઇને તેને છેતરાયાનો અહેસાસ થાય છે. ત્યાર બાદ તે કાર્ડ બ્લોક કરાવે છે. સાઇબર સેલ પ્રભારી ઝહિર ખાન જણાવે છે કે સાઇબર ક્રાઇમથી બચવાનું સૌથી મોટું હથિયાર ગ્રાહકની જાગૃતિ છે. જો તમે થોડી સાવધાની રાખસો તો કાર્ડ કલોનિંગથી બચી શકશો.

(3:51 pm IST)