Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

પ્રવર્તમાન ક્રાંતિકારી ચૂંટણી પ્રક્રિયાના પ્રણેતાઃ ટી.એન.શેષાન

તેઓ ૧૯૫૫ની બેચના આઈએએસ ટોપર હતાઃ ચોકલેટ ખુબ જ પ્રિયઃ બસનું એન્જીન ઉતારી ફરી ફીટ કરી શકતાઃ તેઓ જે મંત્રાલયમાં કામ કરતા તે મંત્રીની છબી આપોઆપ સુધરી જતીઃ તેમણે નરસિંહરાવથી લાલુ પ્રસાદ સુધીનાને ચૂંટણી પંચની તાકાત શું છે તે બતાવેલઃ લોકોને કોઈ પણ ડર વિના મતદાન કરતા કર્યાઃ સૌ પ્રથમવાર તબકકાવાર ચૂંટણી, વોટર કાર્ડ અને આચાર સંહિતાનું કડક પાલન કરાવ્યુઃ કોઈપણ ચૂંટણી રદ્ કરતા તેઓ ખચકાતા નહીઃ જાહેર દિવાલો ઉપર ચિતરામણો સખ્ત હાથે ડામી દીધેલ

નવી દિલ્હીઃ  પ્રવર્તમાન ચૂંટણી પ્રક્રિયાના પ્રણેતા પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી ટી.એન.શેષનનું ગઈકાલે નિધન થયું છે. તેમના જીવન અને ભારતની ચૂંટણીઓમાં જડમૂળથી ફેરફારો અંગેના તેમના કાર્યો અનોખા હતા.

ભારતમાં ૧૯૯૦- ૯૨ સુધી ચૂંટણી પ્રક્રિયા એકદમ અલગ જ હતી. રાજકીય પક્ષો- કાર્યકરો પોલીંગ બુથની અંદર પોતાનો પ્રચાર કરતા બેનરો લગાડતા, મતદાન કેન્દ્રની સામે જ પોતાના ટેબલો નાખતા મતદારોને પોતાના પક્ષની ચીઠ્ઠી આપતા... પણ આ દ્રશ્યો ૧૯૯૨ થી ધીમે- ધીમે ગાયબ થવા લાગ્યા.

હિન્દી પિકચરમાં જે રીતે હીરોની એન્ટ્રી ધમાકેદાર હોય તેવી જ રીતે ભારતીય ચૂંટણી પંચમાં પણ ટી.એન. શેષનની એન્ટ્રી ખુબ જ ધમાકેદાર હતી.  આજની જે ચૂંટણી વ્યવસ્થા છે તે પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી શેષનની દેન છે.

શેષન ૧૯૫૫ની બેચના આઈએએસ ટોપર હતા. તેમણે કેન્દ્રીય સ્તરે તમામ ઉચ્ચ પદો પર સેવા આપેલ. તેઓ કેબીનેટ સચિવ સુધી પહોંચેલ. તેઓ જે મંત્રાલયમાં કામ કરતા તે ખાતાના મંત્રીની છબી પણ આપોઆપ સુધારી જતી જે તેમની પ્રસિધ્ધીનું મુખ્ય કારણ હતુ.

ભારતીય રાજકારણ અને ચૂંટણીને વર્ષો સુધી નજીકથી જોઈ ચૂકેલ શેષનને ૧૯૯૦માં મુખ્ય ચૂંટણી  અધિકારીની જવાબદારી સોંપવવામાં આવી. જવાબદારી સ્વીકારતા પહેલા તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ફોન કરી મળવા માટે સમય માંગ્યો હતો. રાજીવે શેષન સાથે વાતચિત કર્યા બાદ તેમને વળાવવા દરવાજા સુધી ગયા હતા. ત્યારે રાજીવ ગાંધીએ શેષનને મજાકમાં જણાવેલ કે તમારી નિયુકતી દાઢી (ચંદ્રશેખર)ને નહીં ગમે.

શેષને પહેલીવાર બિહારમાં તબકકાવાર ચૂંટણી યોજી હતી અને ચાર- ચાર વખત મતદાનની તારીખોમાં ફેરફાર કર્યા હતા. બિહારના ઈતિહાસમાં તે સૌથી લાંબી ચૂંટણી બની રહેલ.

૧૯૯૨માં યુપીના ધારાસભાની ચૂંટણીમાં શેષને બધા કલેકટર, ટોચના પોલીસ અધિકારીઓ અને ૨૮૦ જેટલા ચૂંટણી અધિકારીઓને સ્પષ્ટ જણાવેલ કે ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી કોઈપણ ભૂલ માટે જે- તે અધિકારી જવાબદેહ હશે.

ઉપરાંત શેષના કાર્યકાળ દરમિયાન હિમાચલ પ્રદેશના તત્કાલીન રાજયપાલ ગુલશેર અહેમદે રાજીનામુ આપવું પડેલ. કેમ કે અહેમદે રાજયપાલ હોવા છતા પોતાના પુત્રના પક્ષમાં સતના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરેલ. શેષને આકરૂ પગલુ લઈ ચૂંટણી જ રદ્દ કરી નાખી હતી.

હિમાચલની જેમ રાજસ્થાનના રાજયપાલ  બલીરામ ભગત પણ શેષનના આકરા મિજાજનો ત્યારે ભોગ બનેલ જયારે ભગતે એક બિહારના પોલીસ અધિકારીને પોલીસ મહાનિર્દેશક બનાવવા પ્રયત્ન કરેલ. ઉપરાંત ઉતર- પૂર્વી યુપીના પૂર્વ રાજયમંત્રી કલ્પનાથ રાવે જાહેર પ્રચાર બંધ થયા બાદ પણ પ્રચાર કરતા શેષને કોઈ ખચકાટ વિના તે ચૂંટણી પણ રદ્દ કરી હતી.

શેષને પોલીંગ બુથથી ૧૦૦ મીટરની અંદર કોઈપણ પ્રકારની રાજકીય ચૂંટણી પ્રચાર ઉપર રોક લગાવેલ. ઉપરાંત તેમણે સૌથી મહત્વનું એવું મતદાન ઓળખપત્રનો ઉપયોગ ફરજીયાત કર્યો હતો. ઓળખપત્ર બનાવવાને લઈને રાજકીય પક્ષોએ એવી દલીલ કરેલ કે આ ખુબ જ ખર્ચાળ છે અને ભારત જેવા દેશને આ પ્રક્રીયા પરવડે તેમ નથી. શેષન પણ એક ના બે ન થયા અને તેમણે રાજકીય પક્ષોને સાફ- સાફ જણાવી દીધેલ કે વોટર આઈડી નહીં બનાવાય તો ૧ જાન્યુઆરી ૧૯૯૫ બાદ ભારતમાં કોઈ ચૂંટણી નહીં યોજાય. જેના કારણે ઘણી ચૂંટણીઓ સ્થગીત કરવામાં આવેલ.

તેમણે ઉમેદવારના ચૂંટણી પ્રચાર ખર્ચ ઉપર પણ મોટો કાપ મૂકી દીધો હતો, જે તેમની મોટી ઉપલબ્ધીઓમાની એક છે. શેષને પોતાના કાર્યકાળ દરમિયાન પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવથી લઈને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ સુધીના લોકોને ચૂંટણી પંચની તાકાતનો પરચો બતાવી દીધેલ.

ખુબ જ ધાર્મિક હોવા છતા તેમણે પોતાના પહેલાના મુખ્ય ચૂંટણી અધિકારી પેરી શાસ્ત્રીના રૂમમાં રાખેલ તમામ ભગવાની મૂર્તિઓ અને કેલેન્ડર ત્યાંથી લેવડાવી લીધા હતા.

એવું નથી કે તેઓ ઓફીસમાં જ રહી પોતાની સેવા આપી છે. તેમણે ચેન્નઈ એસ.ટી.નિગમમાં પણ કામ કર્યુ હતુ. તેમના કાર્યકાળમાં ૩૦૦૦  બસ અને ૪૦ હજાર કર્મચારીઓ તેમના હેઠળ હતા. એકવાર એક ડ્રાયવરે શેષનને જણાવેલ તમે બસના એન્જીનને નથી સમજતા અને બસને કેમ ચલાવવી તે જાણતા નથી તો કેવી રીતે ડ્રાયવરની સમસ્યા સમજી શકશો.

શેષને આ વાતને એક પડકાર તરીકે સ્વીકારી એન ફકત બસ ચલાવતા જ ન શીખ્યા પણ એસ.ટી.ના વર્કશોપમાં રહી બસના એન્જીનને ઉતારી અને ફરી ફિટ કરતા પણ શીખ્યા. એકવાર તેમણે એક બસના ડ્રાયવરને ઉઠાડી પોતે સ્ટીયરીંગ પર બેસી ગયા હતા અને મુસાફરોથી ભરેલ બસને તેમણે ૮૦ કિલોમીટર સુધી ચલાવી હતી !!!

શેષનને ચોકલેટ ખુબ જ પ્રીય હતી. એકવાર તેમણે રાજીવ ગાંધીના મોઢામાં જઈ રહેલુ બિસ્કીટ પણ ખેંચી લીધુ હતું. આવું કેમ કર્યુ તેના જવાબમાં શેષને જણાવેલ કે વડાપ્રધાન કોઈપણ વસ્તુ ચકાસ્યા વગર ખાઈ ન શકે.

ચૂંટણી પંચની તાકાતનો નમૂનો તેમણે ત્યારે પણ આપેલ જયારે વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદ તત્કાલીન સરકારને પૂછયા વિના જ લોકસભા ચૂંટણીઓ તેમણે સ્થગીત કરી દીધેલ.

આજે જે પરિણામ આવ્યું છે તેનું શાંતિપૂર્ણ માહોલમાં તબક્કાવાર મતદાન થયેલ જેનું સંપૂર્ણ પણે શ્રેય ટીએન શેષનને છે. તેમના ક્રાંતિકારી પગલઓએ ભારતીય ચૂંટણીની શકલ જ બદલી નાખી હતી. લોકો નિષ્પક્ષ ચૂંટણી જોતા થયા, મતદાન કરતા થયા અને મતદાર તરીકેની ઓળખ પણ મેળવી.

હાલ આ ચૂંટણી પ્રક્રિયાના સુધારવાદી સનદી અધિકારી શેષન ચેન્નઈના વૃધ્ધાશ્રમમાં અંતિમ જીવન પસાર કરી રહ્યા હતા.

(3:36 pm IST)